LIC ચોથા ક્વાર્ટરમાં રોકાણકારોને ડિવિડન્ડ આપે એવી શક્યતા

મુંબઈ, દેશનો સૌથી મોટો આઈપીઓ લાવનારી એલઆઈસીના લિસ્ટિંગ વખતે તો રોકાણકારોએ નુકસાન સહન કરવું પડ્યું, પરંતુ આગામી એક સપ્તાહમાં તેમને એક ગિફ્ટ મળે તેવી શક્યતા છે. આગામી અઠવાડિયે એલઆઈસી તેનું ચોથા ક્વાર્ટરનું પરિણામ જાહેર કરશે. તેમાં તે રોકાણકારોને ડિવિડન્ડ આપીને તેમની નારાજગી શાંત કરે તેવી શક્યતા છે.
એલઆઈસીએ મંગળવારે શેરબજારને જણાવ્યું કે આગામી સોમવારે તેના બોર્ડની મિટિંગ મળશે જેમાં ૩૧ માર્ચે સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ માટેના રિઝલ્ટની સમીક્ષા કરવામાં આવશે અને કોઈ ડિવિડન્ડ આપવાનું હશે તો તેના અંગે પણ ર્નિણય લેવાશે.એલઆઈસીનો આઈપીઓ તાજેતરમાં જ આવ્યો હતો અને ૯૪૯ રૂપિયાના ભાવે શેર ઈશ્યૂ કરાયા હતા.
૧૭મેના એલઆઈસીનું લિસ્ટિંગ થયું ત્યારે ૮૬૭ રૂપિયાનો ભાવ આવ્યો હતો અને રોકાણકારોને ૯ ટકા નુકસાન સહન કરવું પડ્યું હતું. આજે સવારના સમયે એલઆઈસીના શેરનો ભાવ રૂ. ૮૨૪ ચાલતો હતો જે બપોર પછી વધીને રૂ. ૮૨૯ થયો હતો.એલઆઈસીનો આઈપીઓ ભારતમાં અત્યાર સુધીમાં આવેલો સૌથી મોટો ઈશ્યુ હતો જે લગભગ ત્રણ ગણો છલકાયો હતો.
સરકારે આ આઈપીઓ દ્વારા પોતાનો ૩.૫ ટકા હિસ્સો અથવા ૨૧.૧૩ કરોડ શેર વેચ્યા હતા. ઈશ્યૂની પ્રાઈસ બેન્ડ રૂ. ૯૦૨થી ૯૪૯ વચ્ચે હતી. એલઆઈસીનું નબળું લિસ્ટિંગ થયું ત્યારે જ માનવામાં આવતું હતું કે રોકાણકારોની નિરાશા દૂર કરવા માટે ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી શકે છે.
સાઉદી અરેબિયામાં સાઉદી અરામ્કો કંપનીએ પોતાના જંગી આઈપીઓ વખતે રોકાણકારોને અમુક વર્ષ સુધી નિયમિત ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી અને તેના કારણે તેનું લિસ્ટિંગ પણ બહુ સારું થયું હતું.૧ સપ્ટેમ્બર ૧૯૫૬ના રોજ ૨૪૫ પ્રાઈવેટ વીમા કંપનીઓને મર્જ કરીને અને તેનું રાષ્ટ્રીયકરણ કરીને એલઆઈસીની રચના કરવામાં આવી હતી.
તે સમયે તેની શેરમૂડી માત્ર પાંચ કરોડ રૂપિયા હતી. ડિસેમ્બર ૨૦૨૧ના આંકડા પ્રમાણે ભારતના વીમા ઉદ્યોગમાં એલઆઈસીનો હિસ્સો ૬૧.૬ ટકા છે અને તેનું કુલ મૂલ્ય લગભગ ૫.૫ લાખ કરોડ જેટલું થાય છે.
એલઆઈસીના મોટા રોકાણકારો હવે બમ્પર ડિવિડન્ડની અપેક્ષા રાખે છે. ૬૫ વર્ષ જૂની એલઆઈસી ભારતમાં ઘરઘરમાં જાણીતું નામ છે. કેટલાક એનાલિસ્ટ્સ માને છે કે એલઆઈસીના શેરનો ભાવ હજુ પણ ઘટી શકે છે.
એલઆઈસીના બિઝનેસમાં પણ મોટો ગ્રોથ થવાની શક્યતા ઓછી દેખાય છે. તેના કારણે સરકાર વધુ ડિસઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે અને શેરહોલ્ડરોને હાલમાં કોઈ ઇન્સેન્ટિવ મળે તેમ લાગતું નથી.ss2kp