મોટી નોટો પરથી ગાંધીજીનો ફોટો દૂર કરવાની માગણી
નવી દિલ્હી, રાજસ્થાનના પૂર્વ મંત્રી અને સાંગોદથી કોંગ્રેસના ધારાસભ્ય ભરત સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મોટી નોટો પરથી મહાત્મા ગાંધીનો ફોટો દૂર કરવા માટેની માગણી કરી છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે, મહાત્મા ગાંધી સત્યના પ્રતીક છે તથા ૫૦૦ અને ૨,૦૦૦ની નોટો પર ગાંધીજીનું ચિત્ર હોય છે. લાંચની લેવડ-દેવડમાં તેનો જ સૌથી વધારે ઉપયોગ થતો હોય છે.
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૂચન કર્યું હતું કે, ૫૦૦ અને ૨,૦૦૦ની નોટો પરથી ગાંધીજીની તસ્વીર હટાવીને ફક્ત તેમના ચશ્માનો ફોટો કે પછી અશોક ચક્રનો ફોટો લગાવવામાં આવે. ગાંધીજીની તસવીરવાળી મોટી ૫૦૦ અને ૨,૦૦૦ની નોટોનો દુરૂપયોગ શરાબ પાર્ટી, બાર અને અન્ય પાર્ટીઓમાં નાચવા-ગાવાવાળાઓ પર ન્યોચ્છાવર કરવા માટે પણ કરવામાં આવે છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે, રાજસ્થાનમાં એક વર્ષમાં આશરે ૬૧૬ ટ્રેપ પ્રકરણ નોંધાયા છે. પ્રદેશમાં દરરોજ સરેરાશ ૨ ઘટનાઓ બને છે.
ટ્રેપ કરવા માટે લાંચની રકમ રોકડ હોય છે અને ૫૦૦થી લઈને ૨,૦૦૦ની નોટોનું આદાન-પ્રદાન થાય છે જેના પર ગાંધીજીનો ફોટો હોય છે. સન્માન આપવાના બદલે આ રીતે તેમનું અપમાન થાય છે. તેમનું ચિત્ર ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦ની નાની નોટો પર છાપવામાં આવે કારણ કે, તે નોટો ગરીબોના કામમાં આવે છે. ગાંધીજીએ ગરીબ લોકો વચ્ચે કામ કર્યું હતું.SSS