“મોટી બા ની નાની વહુ”, સાસુ વહુના સંબંધોના તાણાં-વાણાને રજુ કરતુ એક ધારાવાહિક

“વૈશાલી શાહ અને પિંકી પરીખ દ્વારા અભિનીત ધારાવાહિક – તા. 15 મી નવેમ્બરથી, સોમવાર – શનિવાર, રાત્રે 8:30 કલાકે.”
મુંબઈ: કલર્સ ગુજરાતી પ્રસ્તુત કરે છે એક અસામાન્ય પ્રેમ કથા જ્યાં પુત્રવધુની ભૂમિકાને પત્ની કરતા પૌત્રવધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. લગ્ન દરેક છોકરીના જીવનની એક મહત્વની ઘટના છે જેના દ્વારા તેનું જીવન સંપૂર્ણ બદલાય છે.
લગ્ન પછી પતિના ઘરની અનેકાનેક જવાબદારીઓ તેના શિરે આવે છે. આ ધારાવાહિકની વાર્તા તેની નાયિકા “સ્વરા” ની આસપાસ વીંટળાયેલી છે. સ્વરા જેમોલોજીમાં સ્નાતકની ડિગ્રી મેળવવા માંગે છે અને તેના લગ્ન પણ જવેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારમાં થાય છે. લગ્ન પછી સાસુ વહુના સંબંધો વિશેના આ ધારાવાહિકનું નિર્માણ દેવસ્વ પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે અને તા 15 નવેમ્બરથી, સોમ થી શનિ રાત્રે 8:30 કલાકે કલર્સ ગુજરાતી પર આવશે.
સ્વરાના લગ્ન ગુજરાતના ખ્યાતનામ ઝવેરી પરિવારમાં થાય છે. સ્વરા આધુનિક વિચારસરણી ધરાવતી હોવાની સાથો-સાથ જેમોલોજીમાં પોતાની કારકિર્દી બનાવવાની નેમ રાખે છે. સ્વરાનું માનવું છે કે સ્ત્રી અને પુરુષ સમોવડીયા છે, સામે પક્ષે ઝવેરી પરિવારના વડીલ “મોટી બા” જે આદરણીય હોવાની સાથે ઘરના સભ્યો પર પોતાનો દબદબો જાળવી રાખે છે.
“મોટી બા”ની વિચારસરણી થોડી જુનવાણી છે તેઓ મને છે કે સ્ત્રીઓનું જીવન રસોઈ અને પરિવારની સાથે સંકળાયેલું હોવું જોઈએ. મોટી બાની નાની વહુ ધારાવાહિક સ્વરાના ઘરના વડીલ મોટી બા સાથેના સંબંધોની વાર્તા છે સાથો-સાથ સ્વરા કઈ રીતે ઝવેરી પરિવારના દરેક સદસ્યનું દિલ જીતે છે તેના આધારિત પણ છે.
આ શો વિષે વધુ માહિતી આપતા, કલર્સ ગુજરાતીના પ્રોગ્રામિંગ હેડ ડો.દર્શિલ ભટ્ટ જણાવે છે કે અગાઉ અમારા ધારાવાહિક “મારુ મન મોહી ગયું” ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. કલર્સ ગુજરાતી હંમેશા વૈવિધ્યપૂર્ણ કન્ટેન્ટને મનોરંજનના રસથાળમાં પીરસતું આવ્યું છે અને અમને લાગ્યું કે તદ્દન ભિન્ન પ્રકારના પ્લોટ પર આધારિત આ ધારાવાહિક “મોટી બા ની નાની વહુ” દ્વારા ફરી એક વાર અમે દર્શકોના મન જીતી લઈશું.
પીઢ અભિનેત્રી રોહિણી હટંગડી આ ગુજરાતી ધારાવાહિકમાં એક અગત્યનું પાત્ર ભજવી રહ્યા છે અને આ પાત્ર વિષે તેમને જણાવ્યું કે, “મારે મારા પાત્ર વિષે વધુ નથી જણાવવું પણ એટલું કહીશ કે દર્શકો માટે આ ધારાવાહિક ઘણા સરપ્રાઈઝ લઇને આવી રહ્યું છે. મને બધા સાથે કામ કરવાની ખુબ જ માજા આવી. આ પાત્ર મારા માટે હંમેશા અનોખું બની રહેશે કારણકે આ પાત્ર દ્વારા જ મેં મારુ ગુજરાતી ધારાવાહિકમાં પદાર્પણ કર્યું છે.”
આ પ્રસંગે ફિરોઝ ઈરાની એ જણાવ્યું કે, “આજે હું સિનેમા વિશે વાત નથી કરી રહ્યો પણ આ ધારાવાહિક દ્વારા તમે મને અભિનયના નવા રંગમાં જોશો. આ ધારાવાહિકનું પ્રત્યેક પાત્ર એક અલગ જ રંગ લઇને આવે છે. ધારાવાહિકમાં નિર્માતા, અને ડાયરેક્ટર જ નહિ પરંતુ સમગ્ર કલર્સ ગુજરાતીની ટીમ દ્વારા મન મૂકીને કામ કરવામાં આવ્યું છે. મારુ માનવું છે કે દર્શકોને તેમના પરિવાર સાથે “મોટી બા ની નાની વહુ” જોવાની મજા જરૂરથી આવશે.”
કલર્સ ગુજરાતી દ્વારા, કલર્સ મરાઠી ચેનલના બહુ જ પ્રખ્યાત ધારાવાહિક “ઘાડગે એન્ડ સન્સ”, જેમાં પરિવારના પિતૃસત્તાક વાતાવરણ આધારિત વાર્તા છે તે પરથી મોટી બા ની નાની વહુ નું સર્જન કરવામાં આવ્યું છે. સ્વરા એક આધુનિક વિચારસરણી રાખતી કન્યા છે જેના લગ્ન મન ઝવેરી સાથે થાય છે.
મન ઝવેરી એ કુંદન ઝવેરી (મોટી બા) નો પૌત્ર છે, મન બીજા કોઈના પ્રેમમાં હોય છે પણ તેના અને સ્વરાના લગ્ન પરિવારની મરજીથી થાય છે. લગ્ન પછી સ્વરા અને મન એકબીજા વિશે જાણે છે, એકબીજાના સપનાઓને જાણે છે અને બહુ જ ઘનિષ્ઠ મિત્રો બને છે. શું સ્વરા ઝવેરી પરિવારમાં પોતાનું સ્થાન બનાવી શકશે ? શું તે ઝવેરી પરિવારના બધા સદસ્યોના દિલ જીતી શકશે?