Western Times News

Gujarati News

મોટેરા સ્ટેડિયમમાં પ૦૦થી વધુ સીસીટીવી લગાવાયા

એફબીઆઈ સહિત અમેરિકાની સુરક્ષા એજન્સીના અધિકારીઓ આવી પહોંચ્યાઃ મોટેરા સ્ટેડિયમમાં ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરાયો

(પ્રતિનિધિ) અમદાવાદ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે અમદાવાદ શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે વિશ્વના સૌથી મોટા બનાવવામાં આવેલા મોટેરા સ્ટેડિયમનું ઉદ્‌ઘાટન ટ્રમ્પના કાર્યક્રમ સાથે થવાનું છે ત્યારે સમગ્ર સાબરમતી, મોટેરા અને ગાંધી આશ્રમ વિસ્તારની કાયાપલટ કરી દેવામાં આવી છે. ટ્રમ્પની સુરક્ષા માટે અમેરિકાની સુરક્ષા એજન્સીના અધિકારીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે આ ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા એજન્સીના અધિકારીઓ પણ અમદાવાદમાં પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહયા છે. નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં અલાયદો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં છે અને તેમાં અમેરિકન સુરક્ષા એજન્સીના અધિકારીઓ તથા ભારતીય સુરક્ષા એજન્સીના અધિકારીઓ તૈનાત રહેશે. આ વિસ્તારમાં પ૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાડવાની કામગીરી ચાલી રહી છે. આ કાર્યક્રમ પાછળ અંદાજે રૂ.૩૦ કરોડથી વધુનો ખર્ચ થવાનો અંદાજ છે.

અમેરિકાના પ્રમુખ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહયા છે અમેરિકામાં યોજાનારી ચૂંટણી પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પ મોદીના આમંત્રણ પર ભારત આવવાના છે ત્યારે વ્હાઈટ હાઉસે પણ તેમના કાર્યક્રમને પુષ્ટિ આપી દીધી છે. બીજીબાજુ અમદાવાદમાં ટ્રમ્પને આવકારવા માટે વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે.  અગાઉ ચીનના પ્રમુખ જીનપીંગનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેજ રીતે હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવામાં આવનાર છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા સાબરમતી, મોટેરા અને ગાંધી આશ્રમ વિસ્તારમાં સતત કામો કરવામાં આવી રહયા છે અને આ ત્રણેય વિસ્તારોની કાયાપલટ કરી એક લાખથી વધુ છોડ વાવવામાં આવ્યા છે. જયારે કેટલાક ભયજનક વૃક્ષો હટાવવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પૂર્વે આજે શહેરના મેયર તથા મ્યુનિ. કમિશનરે આ તમામ વિસ્તારોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા વ્યવસ્થા માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. અમેરિકાની એફબીઆઈ તથા અન્ય સુરક્ષા એજન્સીના અધિકારીઓની એક ટીમ અમદાવાદ આવી પહોંચી છે અને તેઓએ મોટેરા અને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. વિશ્વના સૌથી મોટા બનાવવામાં આવેલા મોટેરા સ્ટેડિયમમાં ડોનાલ્ડ ટ્રમ્પ એક કલાકથી વધુ સમય ગાળવાના હોવાથી અહીયા વિશેષ તકેદારી રાખવામાં આવી રહ છે.

કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં એક લાખથી વધુ નાગરિકો ઉપસ્થિત  રહેવાના છે જેના પગલે સુરક્ષા માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટેરા સ્ટેડિયમમાં અલાયદો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને તેમાં અમેરિકાના સુરક્ષા અધિકારીઓ ખાસ તૈનાત રહેવાના છે. હાલમાં કેન્દ્ર સરકારના સુરક્ષા અધિકારીઓ તથા અમેરિકાના સુરક્ષા અધિકારીઓ સાથે મળીને સુરક્ષા કવચ બનાવી રહયા છે.

મોટેરા સ્ટેડિયમમાં હાલ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પુરજાશમાં ચાલી રહી છે આ સ્થળે પ૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર છે અને તેના દ્વારા કંટ્રોલ રૂમમાંથી સમગ્ર પરિસ્થિતિ  પર નજર રાખવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટે ખાસ સુરક્ષા એજન્સીઓને કામગીરી સોંપવામાં આવી છે અને આ તમામ અધિકારીઓ હાલમાં સુરક્ષા કવચ બનાવવામાં વ્યસ્ત છે. ડોનાલ્ડ ટ્રમ્પનો ૧ર કિ.મી. લાંબો રોડ શો યોજાવાનો છે ત્યારે આ સમગ્ર રોડ પર સશસ્ત્ર જવાનોને તૈનાત કરવામાં આવનાર છે. જયારે ડોનાલ્ડ ટ્રમ્પને કાર ફરતે અમેરિકાના કમાન્ડો તૈનાત રહેવાના છે.

અમદાવાદ શહેરના સાબરમતી, મોટેરા અને ગાંધી આશ્રમ વિસ્તારમાં ચાલી રહેલા કામો હાલમાં અંતિમ તબક્કામાં છે આ કામગીરીનું નિરીક્ષણ કરવા કેન્દ્ર સરકારના અધિકારીઓ પણ આવી પહોંચ્યા છે બીજીબાજુ આજે સવારથી જ ગુજરાત સરકાર તથા અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના હોદ્દેદારો અને અધિકારીઓ સતત તમામ સ્થળોનું નિરીક્ષણ કરી રહયા છે. સમગ્ર અમદાવાદ શહેરમાં પોલીસને સ્ટેન્ડ ટુ નો આદેશ આપી દેવામાં આવ્યો છે અને સમગ્ર શહેરમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ શરૂ કરી દેવાયું છે. અમદાવાદ શહેરમાં ઠેરઠેર ચેકપોસ્ટો ગોઠવી વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહયું છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન શહેરમાં પ્રવેશતા માર્ગો પર નાકાબંધી કરી શહેરમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહયું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.