મોટોરોલા ચારુસેટમાં ગુજરાતનું સૌ પ્રથમ રિસર્ચ એન્ડ ઈનોવેશન સેન્ટર સ્થાપશે

ચારુસેટ- મોટોરોલા વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર ભાવિ પેઢી માટે લાભદાયી: એનઆરજી ક્રિસ પટેલનો વતનપ્રેમ અને સમાજને પરત આપવાની ઉમદા ભાવના
ચાંગા, અમેરિકા સ્થિત મોટોરોલા સોલ્યુશન્સ કંપની ગુજરાતમાં સૌ પ્રથમ રિસર્ચ એન્ડ ઈનોવેશન સેન્ટરની ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ)માં સ્થાપના કરશે.
ચારુસેટ કેમ્પસમાં યોજાયેલા સમારંભમાં ચારુસેટ-મોટોરોલા સોલ્યુશન્સ રિસર્ચ એન્ડ ઈનોવેશન સેન્ટર સ્થાપવા ચારુસેટ અને મોટોરોલાા વચ્ચે સમજુતી કરાર (એમ.ઓ.યુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મોટોરોલાએ ગુજરાતમાં સૌપ્રથમ રિસર્ચ એન્ડ ઈનોવેશન સેન્ટર સ્થાપવા ચારુસેટની પસંદગી કરી છે જે ઐતિહાસિક અને ગૌરવપ્રદ ઘટના છે.
એમઓયુ પર હસ્તાક્ષર કરવા મોટોરોલા સોલ્યુશન્સ, ટેકસાસ યુએસએ ના યુનિફાઈડ કોમ્યુનિકેશન્સના કોર્પોરેટ વાઈસ પ્રસિડેન્ટ ક્રિસ (કિશન) પટેલના નેતૃત્વ હેઠળ મોટોરોલા સોલ્યુશન્સ કંપનીના પદાધિકારીઓ સહિત ઉચ્ચસ્તરીય ડેલિગેશન ચારુસેટની મુલાકાતે આવ્યું હતું.
ડેલિગેશનમાં ગોરા કુન્ડુ (સિનિયર ડિરેકટર), હાર્દિક કોઠારી (સિનિયર મેનેજર, હેન્ડસેટ, આર એન્ડ ડી) વસંત રાવ (સિનિયર મેનેજર, ફાઈનાન્સ) પવન મલ્લાડી (મેનેજર, બિઝનેસ એનાલિટીકસ એન્ડ રિપોર્ટિંગ) ઉલ્લેખનીય છે કે એનઆરજી ક્રિસ પટેલ મૂળ ચરોતરના વતની છે અને સમાજને પરત આપવાની ઉમદા ભાવના અને વતનપ્રેમ દર્શાવવા ચારુસેટમાં આ સેન્ટર શરૂ કરશે. ક્રિસ પટેલ કોડીયાર્કના સ્થાપક ડિરેકટર અને ચીફ ટેકનોલોજી ઓફિસર છે જે કંપની હવે મોટોરોલાનો ભાગ છે.
ક્રિસ પટેલે વતનને ખાસ કરીને ચરોતરને પાછું આપવાની ઈચ્છા દર્શાવવા માટે અને ઋણ અદા કરવા અમેરિકામાં મેટ્રોપોલિટન વોટર રિકલેમેશન ડિસ્ટ્રિકટ ચીફ ગ્રેટર શિકાગોના સિનિયર એન્જિનિયર અને ચારુસેટ સાથે વર્ષોથી ગાઢપણે સંકળાયેલા સંજય પટેલ સમક્ષ ઈચ્છા વ્યકત કરી હતી.
સંજય પટેલે માર્ચમાં ચારુસેટના મેનેજમેન્ટનો સંપર્ક કરી આ બાબતે વાતચીત કરી હતી. ત્યારબાદ સંજય પટેલે ક્રિસ પટેલને ચારુસેટ વિશે વિગતવાર માહિતગાર કર્યા હતા અને ચારુસેટમાં રિસર્ચ એન્ડ ઈનોવેશન સેન્ટર સ્થાપવા ટાઈઅપ કરવા આમંત્રણ આપ્યું હતું.