“મોટો વેપારી છું, ખોટું નહીં કરૂ” કહી ગઠીયો ત્રણ સોની પાસેથી સોનાની ચેઈન ઠગી ગયો
અમદાવાદ: સેટેલાઈટમાં આવેલાં એક જ્વેલરી શો રૂમમાં ગઠીયાએ પોતાની મોટાં વેપારી તરીકે ઓળખ આપીને ઓનલાઈન પેમેન્ટ કરવાનાં બહાને ૬૨,૦૦૦ રૂપિયાની ચેઈન લઈ જતાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. વેપારીએ તપાસ કરતાં ગઠીયાએ શિવરંજની તથા આણંદ ખાતે પણ આવી જ ઠગાઈઓ આચરી હોવાનું જાણવા મળ્યું હતું.
શિવરંજની ચાર રસ્તા ખાતે આવેલી આર.એચ.જ્વેલર્સ ખાતે કેટલાંક દિવસો અગાઉ એક કેતન દવે નામનો વ્યક્તિ આવ્યો હતો અને મોટાં વેપારી તરીકેની ઓળખ આપી ચેઈન ખરીદવાની તૈયારી બતાવી હતી. બાદમાં ૬૨ હજારની કિંમતની સોનાની ચેઈન ખરીદી ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. જાકે ક્યારેક ખોટો એકાઉન્ટ નંબર આવતો હતો. તો ક્યારેક પેમેન્ટનું મેસેજ આવતો ન હતો.
જેથી કેતને પોતે ખોટું નહીં કરે તેમ કહી રાહ જાવા જણાવ્યું હતું અને પોતે ચેઈન લઈ રફુચક્કર થઈ ગયો હતો. બાદમાં ઘણા સમય સુધી પેમેન્ટ ન મળતાં સેલ્સમેન બિમલભાઈએ ઊઘરાણી કરતાં બહાર હોવાનું તથા બિમાર હોવાનાં બહાનાં કેતન બનાવતો હતો. અને કડક ઉઘરાણી કરતાં તેણે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દેતાં બિમલભાઈએ તપાસ કરતાં ગઠીયાનું પુરૂ નામ કેતન અર્જુન લાલ દવે (રહે.રેલવે કોલોની, દાહોદ) હોવાનું જાણવા મળ્યું હતું. અને તેણે શિવરંજની ખાતે તથા આણંદમાં પણ એક સોની સાથે આવી જ વાતો કરી છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું હતું. જેનાં પગલે બિમલભાઈએ પોલીસ ફરીયાદ કરી હતી.