મોડાસાના ખડોદા દૂધમંડળીના વહીવટ સામે પશુપાલકોનો વિરોધ, ૧૫ લીટરે ૧ લીટર દૂધની ઘટ અને ફેટ પૂરતા આપવામાં ન આવતા આક્રોશ

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ)ભિલોડા, અરવલ્લી જીલ્લામાં દૂધ ઉત્પાદક મંડળીઓમાં સતત વિવાદ બહાર આવતા રહે છે મોડાસા તાલુકાના ખડોદા ગામમાં પશુપાલકોએ દૂધ મંડળીમાં વહીવટ કરતા વહીવટદારો મનમાની કરતા હોવાના આક્ષેપ સાથે દૂધમંડળી આગળ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો દૂધઉત્પાદકોએ દૂધ મંડળીમાં તોલમાપમાં ઘાલમેલ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન કરી લોકો જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે ખડોદા ગામે આવેલી દૂધ ઉત્પાદક મંડળીમાં વહીવટમાં ભારે ગોબાચારી ચાલતી હોવાથી પશુપાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
દૂધ મંડળીમાં તોલમાપમાં છેડછાડ કરી ૧૫ લિટરે ૧ લીટર દૂધની ઘટ બતાવી રહી છે તેમજ ફેટમાં પણ કર્મચારીઓ મનફાવે તે રીતે દૂધના ફેટ આપતા હોવાથી દૂધ ઉત્પાદકોને ભારે નુકશાન ભોગવવું પડી રહ્યું છે દૂધ ભરાવતા લોકોના જણાવ્યા અનુસાર આ અંગે દૂધ મંડળીમાં રજુઆત કરવા જઈએ તો દૂધ મંડળીમાંથી તમારા થી જે થાય તે કરી લો કહી પશુપાલકોને અપમાનીત કરવામાં આવે છે દૂધ ભરાવતા મંડળીના ગ્રાહકોએ દૂધમંડળીના વહીવટ સામે આક્રોશ વ્યક્ત કરી ન્યાયની માંગ કરી હતી.