મોડાસાના જંબુસર ગામની સીમમાં દીપડો ત્રાટક્યો : માલધારીના વરંડામાં રહેલ ઘેટાનું મારણ
ઉનાળાની ગરમીની શરૂઆત થઇ ચુકી છે .ત્યારે જંગલોમાંથી હિંસક પશુઓ પોતાનો ખોરાક તેમજ પાણીની શોધખોળ કરતાં કરતાં ગામોમાં પણ આવી પહોંચતા હોય છે ત્યારે છેલ્લા ત્રણેક દિવસથી એક દીપડો મોડાસાના જંબુસર ગામની આસપાસ દેખા દઈ રહ્યો હોવાની બૂમો વચ્ચે જંબુસર ગામની સીમમાં ખેતરમાં પડાવ નાખી રહેતા માલધારી પરિવારના વરંડામાં દીપડો ત્રાટકી ઘેટાંનું મારણ કરતા માલધારી પરિવારો સહીત લોકો ફફડી ઉઠ્યા છે
અરવલ્લી જિલ્લામાં પૂર્વ પટ્ટો લગભગ જંગલોવાળો પટ્ટો છે. આ વિસ્તાર ડુંગરાળ અને ઝાડીયુક્ત હોય જંગલોમાં હિંસક પ્રાણીઓ હોય છે. હાલમાં ઉનાળો આકરો બન્યો છે સાથે કેટલીક વાર જંગલોમાં આગ ભભૂકી ઉઠવાની પણ ઘટનાઓ બનતી રહે છે ત્યારે આવા જંગલી પ્રાણીઓ ખોરાકપાણીની શોધમાં ગામડાઓ તરફ વળી જતા હોવાના કિસ્સાઓ સામે આવે છે.
ત્યારે છેલ્લા કેટલાક દિવસથી મોડાસાના જંબુસર પંથકમાં દીપડો દેખાતો હોવાની વાતો ગ્રામજનો કરી રહ્યા છે. બીજી બાજુ ગઈ રાત્રીના રોજ ખેતરમાં દીપડો આવ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ ખેતરમાં દીપડાના પગના નિશાન પણ જોવા મળ્યા હતા જ્યારે એક ઘેટાંનું મારણ પણ દીપડાએ કર્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. સાથે ગ્રામજનોએ દીપડાને પાંજરે પુરવા માટે પણ ઉગ્ર માંગ કરી છે. દીપડો દેખાવાના કારણે આસપાસના ગામોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.