મોડાસાના રાજપુર ગામે લોકમેળો ભરાયો, માસ્ક વગર લોકો ઉમટ્યા
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: કોરોના વાયરસની માહામારી વચ્ચે સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસને ફેલાતા રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશ ભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ધીરે ધીરે છૂટછાટ આપી જનજીવન રાબેતા મુજબ કરવા સરકાર મથામણ કરી રહી છે
હજુ પણ કોરોનાનું સંક્રમણ રોકાવા મોટી સંખ્યામાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે કોરોનાનું સંક્રમણ અટકાવવા ગુજરાતની અસ્મિતા સમી નવરાત્રીની ઉજવણી પર પાબંધી લગાવી દીધી છે
લોકમેળા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં અને સમયાંતરે જીલ્લા કલેક્ટર જાહેરનામું પ્રસિદ્ધ કરી રહ્યું છે પણ તેની અમલવારીમાં ઉણુ ઉતરી રહ્યું હોય તેવા દ્રશ્યો અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના રાજપુર ગામે જોવા મળ્યા હતા રાજપુર ગામે બીજનો મેળો ભરાતા મોટી સંખ્યામાં લોકો મેળામાં મહાલવા ઉમટી પડ્યા હતા
મોડાસા તાલુકાના રાજપુર ગામે રામદેવપીર ભગવાનનું મંદિરમાં બીજના દિવસે મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડતા હોવાથી ધીરે ધીરે મેળામાં રૂપાંતરિત થતા દર બીજે મેળા જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે કોરોનાની મહામારીમાં મેળાવડાઓ પર પ્રતિબંધ લાદી દેતા ભારતીય સંસ્કૃતિના ઘરેણાં સમાન તમામ નાના-મોટા મેળાઓ બંધ રહ્યા છે ત્યારે રવિવારે આસો બીજના દિવસે મેળો ભરાતા મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટ્યા હતા સાથે સાથે મેળાનો લુપ્ત ઉઠાવ્યો હતો
વેપારીઓ અને ફેરિયાઓ પણ રોજીરોટી મેળવવા પહોંચ્યા હતા જાણે શ્રદ્ધાળુઓ અને ફેરિયાઓમાં કોરોનાનો ભય ગાયબ હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળ્યા હતા સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ અને માસ્ક વગર બિંદાસ્ત લોકો ટહેલતા જોવા મળ્યા હતા બીજીબાજુ પ્રશાસન તંત્ર સરકારની ગાઈડ લાઈનનું પાલન કરાવવામાં નિષ્ફળ રહેતા લોકોના આરોગ્ય સામે ખતરો પેદા થયો છે.