મોડાસાના સાકરિયા ગામે જમીન પચાવી પાડતાં ૩ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
મોડાસા, મોડાસા તાલુકાના સાકરિયા ગામની સીમમાં આવેલી જમીન ગાંધીનગર રહેતા જમીન માલિકો પાસેથી મોડાસામાં રહેતા એક કોન્ટ્રાકટરે ખરીદી હતી. આ જમીનને અડકીને આવેલી સરકારી પડતર જમીન પર ગેરકાયદે ભોગવટો કરનાર વૃદ્ધ અને
તેના પુત્ર અને પૌત્રએ જમીન ખરીદનાર કોન્ટ્રાકટર ખેતી કરવા જતાં જાનથી મારી નાખવાની ધમકી આપતાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ત્રણ જણાં સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
મોડાસાના માલપુર રોડ પર આવેલા વલ્લભ ટેનામેન્ટમાં રહેતા અને વ્યવસાયે કોન્ટ્રાકટર અરુણકુમાર કૌશિકભાઈ સુથારે સાકરિયા ગામની સીમમાં આવેલ સર્વે નંબર-૩૯૦ અને જૂનો સર્વે નંબર-૩૩ર ખાતા નં.૧૩૬૧ ૧.૯પ હેકટર જમીન આઠ મહિના અગાઉ જમીનના માલિક પાસેથી ખરીદી કરી હતી. ત્રણ મહિના પછી અરુણકુમાર ખેતી કરવા જતાં બાજુમાં સરકારી પડતર જમીન પર ગેરકાયદે ભોગવટો કરનાર કનુભાઈ પૂનમચંદ ઉપાધ્યાય
તેમના પુત્ર ભદ્રેશ કનુભાઈ ઉપાધ્યાય અને પૌત્ર રિહેન કનુભાઈ ઉપાધ્યાયે ખેતી કરવા નહી દઈ સર્વે નં.૩૯૦ જમીન તેમની હોવાનું જણાવી ઝઘડો કરી જમીન અંગે કોઈ દસ્તાવેજી પુરાવા આપ્યા વગર અરુણકુમારને વૃદ્ધ કનુભાઈ ઉપાધ્યાયે જમીનમાંથી નીકળી જાવ નહીં તો તમારું નામ લખી મરી જવાની ગર્ભિત ધમકી આપી અને અવાર નવાર ઝઘડો કરતા હોવાની સાથે ભદ્રેશ ઉપાધ્યાય
અને તેના પુત્ર રિહેન ઉપાધ્યાયે હાથમાં ધારિયું લઈ બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી જમીન તેમની હોવાનું જણાવી જમીન પરથી ચાલ્યા જાઓ નહીંતર લાશો પાડી દેવાની ધમકી આપતાં અરુણકુમાર સુથારે જિલ્લા કલેકટર કચેરીએ ઓનલાઈન અરજી કરતાં જિલ્લા કલેકટરે ત્રણેય સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધવા આદેશ કર્યો હતો.
મોડાસા રૂરલ પોલીસે અરૂણકુમાર કૌશિકભાઈ સુથારની ફરિયાદના આધારે સાકરિયા ગામના કનુભાઈ પુનમચંદ ઉપાધ્યાય, ભદ્રેશભાઈ કનુભાઈ ઉપાધ્યાય અને રિહેન ભદ્રેશભાઈ ઉપાધ્યાય સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી હતી.