મોડાસા,ભિલોડા સહીત જીલ્લાના નીચાણવાળા રહેણાંક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદ-ઉદેપુર હાઈવે પર પાણી ફરી વળ્યું,વાહન વ્યવહાર થંભ્યો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગુજરાત રાજ્યમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ અરવલ્લી જીલ્લામાં મેઘરાજાની ધુંઆધાર બેટીંગ શરૂ કરતાં ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.ભારે વરસાદને લઈ મોડાસા, ભિલોડાના જાહેર માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
મોડાસા શહેરની કેદારનાથ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે પાણી ફરી વળતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો નગરપાલિકાની અણ આવડતના લીધે અન્ય સોસાયટીના પાણી ભુગર્ભ ગટરમાં જવાનો બદ્લે બેક મારતા સોસાયટી બેટ વિસ્તારમાં ફેરવાઈ હોવાનો સોશ્યલ મીડિયામાં જાગૃત યુવકોએ ઉભરો ઠાલવ્યો હતું.
અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર શામળાજી નજીક ડુંગરો પરથી પાણી ઉતરતા પાણી ફરી વળતાં વાહનવ્યવહારને ભારે અસર થઈ હતી શામળાજી-ગોધરા રાજ્ય ધોરીમાર્ગ પણ પાણીથી તરબોળ બન્યો હતો જીલ્લામાં વહીવટી તંત્ર આફત સામે સજ્જ બન્યું છે.જીલ્લામાં એન.ડી.આર.એફ ની ટીમ તૈનાત કરી દીધી છે.
અરવલ્લી જીલ્લામાં ભિલોડા તાલુકામાં સતત વરસતા વરસાદે ભારે તબાહી સર્જી છે.સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત રહેતા ભિલોડાના સાંનિધ્ય બંગ્લોઝ, શાંતિનગર,અન્નપુર્ણા સોસાયટી,ગોવિંદનગર,નવા ભવનાથ,મસ્જીદ પાસે ઢીંચણ સુધી પાણી ભરાયા હતા.
ભિલોડા પંથકના ૧૦ થી વધુ ગામો ભારે વરસાદના પગલે સંપર્ક વિહોણા બન્યા હતા.હાથમતી અને બુઢેલી નદીના કિનારે આવેલ જમીનોનું ધોવાણ થતા ખેડુતો પાયમાલ બન્યા છે.રસ્તાઓનું ઠેર ઠેર પણ ધોવાણ થતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ધનસુરા સહીત સમગ્ર પંથકમાં ૭ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તતરો બેટમાં ફેરવાયા હતા ધનસુરાની મલપુર ચોક્ડી નજીકના રહેણાંક વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકો જીવ બચાવવા ઉંચાણ વાળા સ્થળે દોડી ગયા હતા
રહેણાંક મકાનો આગળ બાંધેલ ઢોર-ઢાંખર પાણીમાં ઘરકાવ થઈ જતા ભારે દેકારો મચી ગયો હતો ખેતરોમાં પાણી ફરી વળતા ખેતીને પણ પારાવાર નુકશાન થવાનો ભય પેદા થતા ખેડુતો ચિંતિત બન્યા હતા.જીલ્લાના મેઘરજ,માલપુર અને બાયડ પંથકમાં શ્રી કાર વર્ષથી ખેડૂતોમાં આનંદ છવાયો છે.સતત વરસી રહેલા વરસાદથી કુવાના તળ ઊંચે આવ્યા હતા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક તળાવ છલકાયા હતા તો અન્ય તળાવોમાં નવા નીર આવ્યા છે જીલ્લાના ડેમમાં પણ પાણીની અવાક શરૂ થતા પાણીનું તોળાઈ રહેલ સંકટ ટળ્યુ છે. અરવલ્લી જીલ્લામાં આવેલ નદીઓમાં ઘોડાપુર આવતા તમામ નદીઓ બે કાંઠે વહેતા લોકો નદીના નીર જોવા ઉમટ્યા હતા. લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી