મોડાસામાં આંગડિયા પેઢીમાં ૬ લાખ ભરવા મોકલેલો નોકર રૂપીયા લઈ ગુમ

હિંમતનગર: અરવલ્લી જિલ્લામા છેલ્લા કેટલાક સમયથી ધંધાર્થીઓ મંદી ના મારથી પીડાઈ રહ્યા છે ત્યારે કન્સ્ટ્રકશન ના વ્યવસાય કરતા એક યુવકને તેના જ નોકરે રૂપિયા ૨.૫૦ લાખનો ચુનો ચોપડ્યો હોવાની ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાવતા મામલો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.
મોડાસાના માલપુર રોડ પર આવેલા મોતિસાગર ફ્લેટમાં રહેતા ધવલભાઈ અરવિંદભાઈ ઠક્કર કન્સ્ટ્રકશન નો વ્યવસાય કરે છે. તેઓને કોરોનાકાળમાં આવેલી મંદી ના કારણે નાણાકીય ખેંચ ઉભી થતા મેઘરજમાં વ્યવસાય કરતા તેમના પિતા અરવિંદભાઈ ઠક્કર પાસેથી ગત ૬ જુલાઈના રોજ રૂપિયા ૬ લાખ ધંધા માટે મંગાવ્યા હતા. તેમના પિતાએ ૬ જુલાઈએ પુત્ર માટે રૂપિયા ૬ લાખ મોકલી આપ્યા હતા.
આ રૂપિયા લઈ ધવલભાઈ તેમજ તેમના ત્યાં નોકરી કરતા જયમીન ભરતભાઇ ત્રિવેદી મોડાસામા બની રહેલા બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આર.કે.આંગડિયા પેઢીમાં આ રૂપિયા જમા કરાવવા કાર મારફતે નીકળ્યા હતા. જે દરમિયાન રોડ પર ટ્રાફિક હોવાથી ધવલભાઈ એ તેમના નોકર જયમીન ત્રિવેદી ને રૂપિયા લઇને આંગડિયા પેઢીમાં મોકલ્યા હતા. માર્કેટયાર્ડ તરફ જઈ ધવલભાઈ કાર પરત વાડી ને આવ્યા બાદ જયમીન ત્રિવેદી કારમાં આવીને બેસી ગયો હતો.
ત્યારબાદ મોડી સાંજે ધવલભાઈ ને આંગડિયા પેઢી તરફથી આવેલા ફોન મારફતે જાણ થઈ હતી કે આંગડિયા માં જયમિન ત્રિવેદીને ભરવા આપેલા ૬ લાખ રૂપિયામાંથી ૩.૫૦ લાખ રૂપિયા ભર્યા હતા જ્યારે ૨.૫૦ લાખ રૂપિયા જયમીન ત્રિવેદી અલગ કરીને ખિસ્સામાં મુકતો આંગડિયા પેઢીના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો.
ગત ૬ જુલાઈ એ જયમીન ત્રિવેદી એ શેઠ ને લગાવેલા ચુના બાદ સતત પખવાડિયા ઉપરાંત સમય સુધી ધવલભાઈ ઠક્કરે જયમીન ત્રિવેદીની શોધખોળ કરવા છતાં તેનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો. તેમજ ૬ જુલાઈથી તેનો ફોન પણ સતત બંધ આવતો હોવાથી છેવટે ધવલભાઈ અરવિંદભાઈ ઠક્કરે મોડાસાની જ અમરદીપ સોસાયટી મા રહેતાં જયમીન ભરતભાઇ ત્રિવેદી સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.