મોડાસામાં કરુણા હેલ્પ લાઈનની સમયસર મદદ ના મળતા અકસ્માતનો ભોગ બનેલ બે ગાય રઝળી
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં રખડતા પશુઓની સમસ્યા પ્રજાજનો માટે આફત સર્જી રહી છે પશુપાલકોએ રેઢિયાળ મૂકી દીધેલ ગાયના ધણને મોડાસા મખદૂમ ચોકડી નજીક એસટી બસ અને ટ્રકે અડફેટે લઈ અકસ્માત સર્જતાં બે ગાયોના પગે ગંભીર ઈજાઓ પહોંચતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા.
મોડાસાના જાગૃત નાગરિકે બંને ઈજાગ્રસ્ત ગાયને સારવાર મળી રહે તે માટે કરુણા હેલ્પ લાઈન ૦૭૯-૧૯૬૨ પર વારંવાર સંપર્ક કરતા થોડી મિનિટો પછી લાગેલા કોલ પછી હેલ્પલાઈન સેન્ટરમાંથી હાલ કરુણા એમ્બ્યુલન્સ મોડાસાથી દૂર હોવાનો જવાબ મળતા જાગૃત નાગરિકે ગંભીર ઈજાગ્રસ્ત બંને ગાયને તાત્કાલિક સારવારની જરૂર હોવાનું જણાવતા હેલ્પલાઈન સેન્ટરના જવાબદાર કર્મચારીએ અમારું કામ ફક્ત કોલ સાંભળવાનું છે કહી રોકડું પરખાવતા જાગૃત નાગરિક સહીત લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સમયસર સારવારના અભાવે દર્દથી કણસતી ગાયો જોઈ જીવદયા પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો હતો લોકોએ કરુણા હેલ્પલાઈન અને નગરપાલિકા તંત્રના નિષ્ફળ વહીવટ સામે સોશ્યલ મીડિયામાં રોષ ઠાલવ્યો હતો અને રસ્તે રઝળતા પશુઓને પાંજરે પુરાવા માંગ કરી હતી.
રાજ્ય સરકારે થોડા મહિના અગાઉ ઘાયલ પશુ-પક્ષીઓને સ્થળ પર સારવાર મળી રહે તે માટે કરુણા હેલ્પલાઈનની શરૂઆત જોરશોરથી ભારે જાહેરાતો વચ્ચે કરવામાં આવી હતી કરુણા હેલ્પલાઈન એમ્બ્યુલન્સ અરવલ્લી જિલ્લામાં ફાળવવામાં આવતા અને શરૂઆતમાં દિવસોમાં મદદરૂપ બનતા પ્રજાજનોમાં આનંદ છવાયો હતો પરંતુ કેટલીક વાર ૦૭૯-૧૯૬૨ પર સતત સંપર્ક કરવા છતાં કોલ ન લાગતા ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓને સમયસર સારવાર ન મળતા ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.*