Western Times News

Gujarati News

મોડાસામાં ખેડૂતે ૫ બાળકો સાથે શ્રમિક પરિવારને તરછોડતા તંત્ર અને ગોગા ફાઉન્ડેશન મદદે પહોંચ્યું

લોકડાઉનની સ્થિતિમાં સૌથી વધુ શ્રમિકો અને ગરીબો કફોડી સ્થિતિમાં મુકાયા છે સમગ્ર દેશમાં લોકડાઉન લંબાવાતા હવે મજૂર અને પરપ્રાંતીય વર્ગ અકળાઈ ઉઠ્યો છે.ખેત મજૂરી કરી  જીવનિર્વાહ ચલાવતા પંચમહાલ અને અન્ય જીલ્લામાંથી આવેલા શ્રમિકોને અરવલ્લી જીલ્લામાં કેટલાક ખેડૂતોએ તરછોડતા તેમના વતન તરફ વાટ ભણી રવાના થયા હતા

ત્યારે મોડાસા નજીક એક ખેડૂતે થોડા દિવસ અગાઉ તેના ખેતરમાં રહેતા શ્રમિક પરિવારને ૫ બાળકો સાથે કાઢી મુકતા દયનિય હાલતમાં મુકાયેલ શ્રમિક પરિવારે મોડાસા રેલવે સ્ટેશનની નજીક ઝાડી-ઝાંખરામાં આશરો લીધો હતો આ અંગે યુવકોને જાણ થતા તેમને ગોગા ફાઉન્ડેશનના સદસ્યોનો સંપર્ક કરતા તાબડતોડ શ્રમિક પરિવારને મદદે પહોંચી વહીવટી તંત્રને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી શ્રમિક પતિ-પત્ની અને ૫ બાળકોની આરોગ્ય તપાસ હાથધરી શેલ્ટર હોમમાં રાખવા તજવીજ હાથધરી હતી.

મોડાસા રેલવે સ્ટેશન વિસ્તારમાં ત્રણ-ચાર દિવસથી ધોમધખતા તાપમાં ઝાડી-ઝાંખરામાં ખેડૂતે તરછોડી દેતા શ્રમિક પરિવારે ૫ નાના બાળકો સાથે આશરો લેવા મજબુર બન્યો હતો શ્રમિક પરિવાર અને તેના બાળકોને આજુબાજુના રહેણાંક વિસ્તારનો લોકો ખાવાનું પૂરું પાડતા હતા

રેલવે સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોની અવર-જ્વરના પગલે ગરીબ પરિવાર ગમે તે ઘડીએ આફતમાં મુકવાનો ભય પેદા થતા જાગૃત યુવકોએ મોડાસા શહેરમાં લોકડાઉનમાં જરૂરિયાતમંદ લોકોની જઠરાગ્નિ ઠારતા ગોગા ફાઉન્ડેશનને જાણ કરતા ગોગા ફાઉન્ડેશનના જિનેશ પટેલ, નીતિન પંડ્યા અને તેમની ટિમ ઘટનાસ્થળે પહોંચી શ્રમિક પરિવારને હૈયાધારણા આપી તંત્રને જાણ કરતા મામલતદાર અરુણ ગઢવી, નાયબ મામલતદાર શર્મા સહીત અધિકારીઓ અને પોલીસતંત્ર ઘટનાસ્થળે પહોંચી શ્રમિક પરિવાર અને તેમના ૫ બાળકોની આરોગ્ય ચકાસણી અને સ્ક્રીનિંગની કામગીરી હાથધરી શેલ્ટર હોમમાં ખસેડવા તજવીજ હાથધરી હતી.  કોરોના ડિઝાસ્ટર તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર લોકડાઉનની સ્થિતિમાં શ્રમિક પરિવારને તરછોડનાર ખેડૂત સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તૈયારીઓ હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.