મોડાસામાં ઘેર ઘેર પહોંચશે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીની ચરણ કમલ પાદૂકા
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક, માનવીને સાચા માર્ગ ઉપર ચાલવા શ્રેષ્ઠ માર્ગદર્શન આપતાં ૩૨૦૦ થી વધુ પુસ્તકોના લેખક, રાષ્ટ્રની સ્વતંત્રતા માટે સ્વયંને સમર્પિત કરનાર સ્વાતંત્ર્ય સેનાની, માનવ માત્રને માટે સદબુદ્ધિનો ગાયત્રી મહામંત્રને વિશ્વમાં પહોંચાડનાર પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના ચરણ કમલ- પાદુકા હરિદ્વાર થી મોડાસા આવેલ છે.
ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મોડાસા શહેર તેમજ ક્ષેત્રમાં ગામેગામ જન જન માટે શ્રેષ્ઠ જીવન માટે અથાગ પ્રયત્નો ચાલી રહેલ છે. ત્યારે ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યાનુસાર હરિદ્વારથી મોડાસા આવેલ આ પવિત્ર ગુરુ ચરણ કમલ-પાદુકા એ આ ક્ષેત્ર માટે અનમોલ- અદ્ભુત લાભ ગણાય.
જે સંદર્ભમાં આજ અખાત્રીજના દિવસથી મોડાસામાં ઘેર ઘેર આ ગુરુ ચરણ કમલ- પાદુકા પૂજન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. આજ આ ચરણ કમલ પાદૂકા યાત્રા ગાયત્રી ચેતના કેન્દ્રથી સવારમાં નીકળી ગીતાંજલિ સોસાયટી પહોંચી હતી. જ્યાં કિરણબેન ભાવસારના ઘરે પ્રથમ પૂજન કાર્યક્રમ યોજાયો હતો.
ત્યારબાદ હવે ઘેર ઘેર પૂજન કાર્યક્રમ ચાલશે અને મોડાસા શહેર તેમજ ક્ષેત્રમાં પ્રત્યેક ગામમાં પહોંચશે. ઘેર ઘેર પૂજનનો સૌને લાભ મળશે. સાથે સાથે સ્વયં સેવકો દ્વારા પર્યાવરણ સંરક્ષણ, વ્યસનમુક્તિ, ગર્ભ સંસ્કાર, બાળ સંસ્કાર, કન્યા-કિશોર કૌશલ્ય, યુવાનોમાં જાગૃતિ, કુરિવાજ નિવારણ, નારી જાગરણ માટે સૌને વિશેષ જાગૃતિ ઝુંબેશ તેમજ સદ્વિચારોના જ્ઞાન સાહિત્યને મોડાસા સહિત ગામેગામ ઘરે ઘરે જન જન સુધી પહોંચાડવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન ઘેર ઘેર પૂજન સાથે સાથે ઘરના સભ્યોમાં વ્યસનમુક્તિ, સામાજીક કુરિવાજ નિવારણ, જીવનમાં કંઈક ખોટી આદતો હોય તો તે છોડી દઈ જીવનમાં સારા અને સાચા માનવીય ગુણોનો વિકાસ થાય તેમ સંકલ્પિત કરવામાં આવશે. આજના આ કાર્યક્રમમાં વિશેષ ધર્માભાઈ પટેલ, કાન્તિભાઈ ચૌહાણ, કિરિટભાઈ સોની, રશ્મિભાઈ પંડ્યા, અરવિંદભાઈ કંસારા સહિત અનેક બહેનો જાેડાયા હતા.