મોડાસામાં ચાર રસ્તા ટાઉન હોલ આગળ ભરાતા મજૂર મેળામાં સોશ્યલ ડિસ્ટન્સ ,માસ્કનો અભાવ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, પણ સામાજિક અંતરના ધજાગરા ઉડી રહ્યા છે, પણ તંત્ર હવે હથિયારે એઠે મુકી દીધાય હોય તેવું લાગી રહ્યું છે. મોડાસા ચાર રસ્તા પર વહેલી સવારે મજૂર મેળો ભરાય છે, જ્યાં સમાજિક અંતરના લીરેલીરા ઉડી રહ્યા છે, પણ અધિકારીઓને કોઈ જ ફરક પડતો નથી.
મોડાસા ચાર રસ્તા પોલિસ ચોકીની સામે જ સામાજિક અંતર નથી જળવાતું તો શહેરના અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં સામાજિક અંતર ક્યાંથી જળવાશે તે કહેવું કદાચ મુશ્કેલ છે.આરોગ્ય તંત્ર અને નગરપાલિકા તંત્ર મોડાસા શહેરના ચાર રસ્તા પર મોટી સંખ્યામાં એકઠા થતા શ્રમિકોમાં કોરોના અંગે જાગૃતિ લાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે
આગામી સમયમાં શહેરમાં લોકલ સંક્રમણ અને કોમ્યુનિટી ટ્રાન્સ્મીશન નો શ્રમિકો ભોગ બને તો આગામી સમયમાં કોરોના જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોને ઘમરોળે તેવો ખતરો પેદા થયો છે આરોગ્ય તંત્ર અને નગરપાલિકા તંત્ર આળશ ખંખેરી શ્રમિકોમાં કોરોના અંગે જાગૃતિ અભિયાન ચલાવે તેવી જાગૃત નાગરિકોમાં માંગ પ્રબળ બની છે
મોડાસા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી ગયું છે અને કોરોના પોઝિટિવ કેસનો આંક શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળી 160 ઉપર પહોંચ્યો છે. લોક ડાઉન સમયે સામાજિક અંતર જાળવવા તંત્ર દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કર્યો હતો, પણ હવે તે ક્યાંય જોવા નથી મળી રહ્યું, જેને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ જાય તો નવાઈ નહીં. મોડાસા શહેર હોટ સ્પોટ તરફ પ્રયાણ કરી ચુક્યું છે, પણ પાલિકા તંત્ર માસ્કનો દંડ વસૂલીને સંતોષ માની રહ્યું છે, પણ સોશિયલ ડીસ્ટેન્સ તરફ ધ્યાન ન તો વહીવટી તંત્ર આપી રહ્યું છે, કે ના પાલિકા તંત્ર. વહીવટી તંત્રન આંકડાઓ પર વિશ્વાસ કરીને સંતોષ માની લે તેવું લાગી રહ્યું છે, પણ બજારમાં જાઓ તો ખ્યાલ આવે કે, લશ્કર ક્યાં લડી રહ્યું છે.
એક નજર અહીં પણ લગાવો સાહેબ
શરૂઆતમાં કોરોનાને કારણે શહેરમાં થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવતું હતું, પણ થર્મલ સ્ક્રિનિંગ શબ્દ વહીવટી તંત્રએ ગાયબ જ કરી નાખ્યો હોય તેવું લાગી રહ્યું છે. કલેક્ટર કચેરી ચેમ્બર સિવાય અન્ય કોઈ જ કચેરમાં થર્મલ સ્ક્રિનિંગ કરવામાં નથી આવતું, મોડાસા નગર પાલિકા, મામલતદાર કચેરી, આરોગ્ય કચેરી, જિલ્લા પંચાયત, જિલ્લા પોલિસ વડા કચેરી વગેરે સરકારી કચેરીઓમાં થર્મલ સ્ક્રિનિંગ ગાયબ થઈ ચુક્યું છે, જે એક ચિંતાનો વિષય છે.
અધિકારીઓ ઓફિસ જવા શહેરના રસ્તાઓનો ઉપયોગ કરશો, તો ખબર પડે ને !
મોડાસા શહેરમાં શું થાય છે અને શું ચાલી રહ્યું છે, તે અધિકારીઓને કેમ કરીને ખ્યાલ આવે, કારણ કે, તેઓ ઓફિસ જવા માટે બાયપાસનો ઉપયોગ કરે છે, જેથી શહેરની પરિસ્થિતિનો ચિતાર ક્યાંથી મળે. મોટા ભાગના અધિકારીઓ બારોબાર નિકળી જાય છે, એટલે શહેરની પરિસ્થિતીથી તેઓ વાકેફ નથી થતાં, પણ સરકારના ઉચ્ચ અધિકારીઓનો ચોપડામાં લખેલા આંકડા મળી જાય છે, એટલે કામ પુરૂ. સાહેબ તાલુકા કક્ષાના અધિકારી આંકડાકીય માહિતીના થોથા લઇને આવે તો જરા સમજજો અને શહેરની મુલાકાત લેજો ખ્યાલ આવશે કે ‘ક્યાં સે ક્યાં હો રહા હૈ’.