મોડાસામાં જજીસ બંગ્લોઝ નજીક રેડીમેડ કપડાના શો-રૂમ ના ઉદ્ઘાટન પહેલા તસ્કરો ત્રાટકી ૪ લાખના કપડાંની લૂંટ
(પ્રતિનિધિ) ભિલોડા, મોડાસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ચોર લૂંટારુ ગેંગ સતત લૂંટ, તસ્કરીની ઘટનાને અંજામ આપી પોલીસતંત્રને ચેલેન્જ આપી રહી છે મોડાસા શહેરના માલપુર રોડ પર જજીસ બંગ્લોઝ સામે કપડાના શો-રૂમમાં ઉદ્ઘાટન પહેલા તસ્કરોએ ત્રાટકી ૪ લાખથી વધુના બ્રાન્ડેડ કપડાંની લૂંટ ચલાવી રફુચક્કર થઈ જતા ભારે ચકચાર મચી હતી મોડાસા ટાઉન પોલીસતંત્રના નાઈટ પેટ્રોલિંગના પોકળ દાવાઓની હવા કાઢી નાખી હતી મોડાસા ટાઉન પોલીસે રાબેતા મુજબ સ્થળ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
મોડાસાના માલપુર રોડ પર આવેલા મારુતિ કોમ્પ્લેક્ષ માં નવીન રેડીમેડ કપડાના “વોર્ડરોબ” નામના શો-રૂમ નું ઉદ્ઘાટન રથયાત્રાના દિવસે હોવાથી શો-રૂમ માં બ્રાન્ડેડ કંપનીના કપડાં લાવી ગોઠવી દીધા હતા અને ઉદ્ઘાટનની તૈયારીમાં શો-રૂમ માલિક લાગી ગયા હતા મંગળવારે રાત્રી શો-રૂમ નું કામકાજ પતાવી શો-રૂમ ના શટરને બંધ કરી ઘરે ગયા હતા રાત્રીના સુમારે તસ્કરો ત્રાટકી શટરને વચ્ચે થી ઊંચું કરી શો-રૂમ માં પ્રવેશી ૪ લાખથી વધુની કિંમતના બ્રાન્ડેડ કપડાંની લૂંટ કરી ફરાર થઈ જતા શો-રૂમ માલિકને શટર તોડેલું હોવાનું આજુબાજુના દુકાનદારોએ જણાવતા શો-રૂમ માલિક દોડી આવ્યા હતા ઉદ્ઘાટન પહેલા જ શો-રૂમ લૂંટાતા બેબાકળા બન્યા હતા મોડાસા ટાઉન પોલીસને ચોરીની ઘટના અંગે જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી હતી મોડાસામાં સતત બનતી લૂંટની ઘટનાઓથી પ્રજાજનોમાં અને વેપારીઓમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે શો-રૂમના માલિક દિગ્વિજય સિંહના જણાવ્યા અનુસાર નજીકમાં જજીસ બંગ્લોઝ અને હોમગાર્ડ પોઇન્ટ હોવા છતાં કપડાંની લૂંટ થતા નવાઈ ઉપજે છે.