મોડાસામાં ટ્રાફીકની સમસ્યા માથાના દુઃખાવા સમાન
મોડાસા, અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં ટ્રાફિક સમસ્યા નગરજનો માટે માથાના દુખાવા સમાન બની છે. મોડાસા શહેરના બસ સ્ટેન્ડ પાછળ મોટા પ્રમાણમાં ખાનગી હોસ્પિટલો આવેલી હોવાથી જીલ્લા સહિત રાજસ્થાનથી મોટા પ્રમાણમાં દર્દીઓસારવાર લેવા પેસેન્જર વાહનો અને ખાનગી વાહનો મારફતે પહોંચતા હોય છે.
આડેધડ પાર્કિંગ કરતા હોવાથી સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર મનફાવે તેમ વાહનો ઉભા રાખી દેતા હોવાથી છાશવારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. રાજસ્થાનના ખાનગી વાહનચાલકો રોડ પર જીપો ઉભી રાખી બિન્દાસ્ત પેસેન્જર ભરતા ઉતારતા હોવાથી સ્થાનિક વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.
મુસાફરો ભરતા જીપચાલકને સ્થાનિક વાહનચાલકે જીપ સાઈડમાં મુકવા કહેતા રાજસ્થાની ડ્રાઈવર ઉશ્કેરાઈ જઈ સ્થાનિક વાહનચાલક સાથે ધક્કામુક્કી કરતા અન્ય રાજસ્થાની ડ્રાઈવર અને તેના મળતિયા દોડી આવ્યા હતા અને સ્થાનિક વાહનચાલક સાથે ઝઘડો કરતા ઘર્ષણની સ્થિતિ પેદા થતા લોકોના ટોળેટોળા ઉમટયા હતા. તંગદીલીભર્યા વાતાવરણનું નિર્માણ થવા પામ્યું હતું.