મોડાસામાં દારૂના નશામાં ધૂત બની ખુલ્લી તલવાર સાથે કાર હંકારતા બે શખ્શો ઝડપાયા: વિદ્યાર્થિનીને ટક્કર મારી
(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્રનની નિષ્ક્રિયતાના પગલે અને પોલીસતંત્રની મીઠી નજર હેઠળ ચાલતા મોડાસા શહેર અને આજુબાજુ વિસ્તારમાં ધમધમતા દેશી-વિદેશી દારૂના ઠેકા માંથી દારૂ પીને અસામાજિક તત્વો બેફામ બન્યા છે મોડાસાની નાલંદા-૧ સોસાયટી નજીક દારૂ પીધેલી હાલતમાં કાર હંકારી એક વિદ્યાર્થીની સાયકલને ટક્કર મારતા ભારે ચકચાર મચી હતી કાર ચાલકે દારૂ ગણેશપુર માંથી ઢીંચ્યો હોવાની કબૂલાત લોકો સમક્ષ કરી હતી કાર માંથી ખુલ્લી તલવાર પણ મળી આવતા લોકોએ બંને શખ્શોને પોલીસને સોંપ્યા હતા.
મોડાસામાં ખાખી વર્દીનો ખોફ ઓસરી રહ્યો હોય તેવા દ્રશ્યો મોડાસા શહેરની નાલંદા-૧ સોસાયટી નજીક ડીપી રોડ પર જોવા મળતા નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો માલપુર-મેઘરજ ડીપી રોડ પરથી નશામાં ધૂત બની કાર હંકારી સાયકલ પર ટ્યૂશન જતી વિદ્યાર્થિનીને ટક્કર મારતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા કાર ચાલક અને તેની સાથે રહેલ શખ્શ દારૂ પીધેલી હાલતમાં અને કારમાં ખુલ્લી તલવાર નજરે ચઢતા શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠતા બંને શખ્શોને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યા હતા કારની ટક્કરથી સાયકલના કચ્ચરઘાણ નીકળી ગયા હતા સદનસીબે વિદ્યાર્થિનીના શરીરે સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાઇ હતી.
મોડાસા ટાઉન પોલીસે નશામાં ધૂત બનેલ અને કાર હંકારનાર ૧) દીતાભાઈ દેવીલાલ કોટડ (રહે,સર્વોદય નગર મોડાસા) અને ૨) ડાહ્યાભાઈ છનાભાઈ નાયક (રહે, રેલવે ફાટક પાસે, મોડાસા) ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ પ્રોહિબિશન એક્ટ અને એમ.વી એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.