મોડાસામાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષા અંગે જીલ્લા શિક્ષણાધિકારીની માર્ગદર્શન બેઠક યોજાઈ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષા આગામી ૫ માર્ચ થી ૨૧ માર્ચ સુધી યોજાનાર છે અરવલ્લી જીલ્લામાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને પરીક્ષાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન એચ પટેલના રાહબર હેઠળ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના જિલ્લા ના પરીક્ષા કેન્દ્રો ના સ્થળ સંચાલક તેમજ સરકારી પ્રતિનિધિની તાલીમ અને માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા ચાલુ સાલે બોર્ડ દ્વારા એપ્લિકેશન બેઝડ પેપર બોક્ષ ટ્રેકીંગ સીસ્ટમ અમલી બની છે તે અંગે જાણકારી આપવામાં આવી હતી.ધો.12 ના ઝોનલ અધિકારી તરીકે એસ.ડી.પટેલ અને ધો.10 ના ઝોનલ અધિકારી તરીકે ડી.વી.નિનામાં રહેશે.
જીલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન એચ પટેલે બોર્ડ દ્વારા એપ્લિકેશન બેઝડ પેપર બોક્ષ ટ્રેકીંગ સીસ્ટમ અમલી બની છે તેના વિષે માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પેપરલીક રોકવા માટે એક ખાસ એપ વિકસાવવામાં આવશે. પેપર જ્યારે સેન્ટર પર પહોંચે ત્યારે તેના ફોટો પાડવાના રહેશે અને સંચાલક, નિરીક્ષક, સરકારી પ્રતિનિધિની હાજરીમાં પેપરનું સીલ તોડવાનું રહેશે.
પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પણ બોર્ડ દ્વારા કડક નિયમો અનુસાર બોર્ડના કેન્દ્ર અને પરીક્ષા ખંડોને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા હોવાનું અને મોબાઈલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્ર પર ઝેરોક્ષ મશીન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવા પર પણ નિયંત્રણ મૂકાયા છે. ખંડ નિરીક્ષકોને પણ પરીક્ષા શરુ થયાના એક કલાક પહેલા હાજર થઈ જવા ઉપરાંત, કોઈની પણ શેહ-શરમ કે દબાણમાં આવ્યા વિના ફરજ બજાવવાની તાકીદ કરાઈ હતી