મોડાસામાં મહિલા રણચંડી બની : પોલીસતંત્ર અને વાહનો ટોઇંગ કરતી એજન્સીની બેધારી નીતિ સામે મહિલાના આક્રોશથી ફફડ્યા
ભિલોડા: અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિકની સમસ્યા શિરદર્દ સમાન બની છે. શહેરના મુખ્યમાર્ગોની આજુબાજુ ટાઉનપ્લાનિંગના નિયમોનું ઉલ્લંઘન કરી આડેધડ પાર્કિંગ વગર તાણી બંધાયેલા કોમ્પ્લેક્ષના લીધે ખરીદી કરવા આવતા વાહનચાલકો આડેધડ પાર્કિંગ કરતા હોવાની સાથે રોડ પર અડિંગો જમાવતા ફેરિયાઓ અને પથારાવાળોના લીધે સ્થાનિક તંત્રનો વહીવટ ખાડે જતાં ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો બન્યો છે.
ટ્રાફિક નિયંત્રણ માટે વાહનો ટોઇંગ એજન્સીને કોન્ટ્રાક આપવામાં આવ્યો છે ટોઈંગવાનમાં કામ કરતા કર્મચારીઓ અનેકવાર લોકોનો રોષનો ભોગ બન્યા છે મોડાસામાં મહિલાનું ટુ-વ્હીલર ખોટી રીતે ટોઇંગ કર્યું હોવાનું જણાવી ટોઈંગવાન માંથી વાહન પરત મેળવવા રોડ પર બેસી જતા ભારે હોબાળો મચ્યો હતો ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અડધો કલાકની રક્ઝક પછી મહિલાઓ રણચંડી બની ટોઇંગ વાહનમાંથી જાતે વાહન ઉતારી લીધા હતા લોકોએ પણ ટોઈંગવાનના કર્મચારીઓ ખોટી રીતે વાહનો ટોઇંગ કરતા હોવાનો આક્રોશ સાથે મહિલાઓને સમર્થન આપતા ટ્રાફિક પોલીસ અને ટોઇંગ એજન્સીમાં કામ કરતા કર્મચારીઓ બિચારા બની ગયા હતા
શનિવારે સાંજના સુમારે, મોડાસા ના શ્યામ સુંદર શોપીંગ સેન્ટર આગળ પાર્ક કરેલા ટુ વ્હીલર ટોઇંગ વાળાએ ટ્રેક્ટરમાં નાખંતા મહિલાઓ વિફરી હતી અને જ્યાં સુધી ટોઇંગ કરેલા વાહનો પરત કરવામાં ન આવે ત્યાં સુધી રોડ બેસી ગઇ હતી . જોકે આખરે ટોઇંગ વાળાએ વાહન પરત ન કરતા મહિલાઓએ પોતાનુ વાહન જાતે જ ઉતારી લીધુ હતું એક કલાક સુધી તું…તું…મૈં…મૈં ની ઘટના જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમ્ટ્યા હતા અને ટ્રાફીક જામ ના દ્રશ્યો સર્જાયા હતા .મોડાસા શહેરમાં ટ્રાફિકનું નિયંત્રણ કરનાર ટોઇંગ એજન્સી રોડ પર ખડકાયેલા આડેધડ વાહનોને ટોઇંગ કરી મનફાવે તેમ દંડ વસુલાત કરતા વાહનચાલકો અને ટોઇંગ એજન્સી ના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયુ હતું.મહિલાઓના રણચંડી રૂપનો ટોઇંગ કરેલા અન્ય વાહન ચાલકોને પણ ફાયદો થયો હોય તેમ તમામ વાહનો ટોઈંગવાન માંથી ઉતારી લેતા મસમોટા દંડ ભરવામાંથી બચી ગયા હતા
મોડાસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા રોડ પર ખડકાયેલા વાહનોને ટોઇંગ કરવાની કામગીરી ખાનગી એજન્સીને સોંપવા છતાં ટોઇંગ એજન્સી અને પોલીસતંત્રની બેધારી નીતિના પગલે ફક્ત વાહનચાલકોને દંડવામા આવતા અને હાથલારીઓ અને પથારાવાળા સામે ઘૂંટણિયે પડી જતા વાહનચાલકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ચાર રસ્તા થી કોલેજરોડ પર ફેરિયાઓનું અને પથારાવાળાઓનું સામ્રાજ્ય યથાવત રહેતા ટ્રાફિકની સમસ્યા ઠેર ને ઠેર જોવા મળી રહી છે.