મોડાસા ઘાંચી આરોગ્ય કેન્દ્ર નજીક ગટરના ઢાંકણ તકલાદી બનાવતા ૨૪ કલાકમાં તૂટ્યા

(પ્રતિનિધિ) મોડાસા, નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં વિકાસના કામો હેઠળ વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે મોડાસા શહેરમાં પ્રિ મોનસુમ કામગીરી હેઠળ ભૂગર્ભ ગટર યોજનામાં સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે.
જેમાં કોન્ટ્રાક્ટરે ચેમ્બર પર બનાવેલ ધાબાની કામગીરીમાં હલકી કક્ષાનું માલસામાન વાપરવામાં આવતા ઢાંકણ ૨૪ કલાકમાં તૂટી જતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે નગરપાલિકના સૂત્રોના જણાવ્યા અનુસાર ગટર પર નવનિર્માણ ઢાંકણ પર વાહનો દોડાવતા તૂટી ગયા હોવાનું જણાવ્યું હતું.
મોડાસા શહેરની ધી ઘાંચી આરોગ્ય કેન્દ્ર નજીક બનાવેલ રોડ પાસેથી પસાર થતી ગટર લાઈનમાં પ્રિ મોન્સૂન કામગીરી હેઠળ સાફ-સફાઈ કર્યા પછી ચેમ્બર પર બનાવેલ સિમેન્ટના ઢાંકણમાં લોટ,લાકડું અને પાણી વાપરવામાં આવ્યું હોવાનું અને તકલાદી કામ કરાતા ઠેર ઠેર રોડ પર ઢાંકણ તૂટી જતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે પ્રજાજનોએ ઢાંકણની કામગીરી નક્કર કરવામાં આવે તેવી માંગ કરી હતી નગરપાલિકા તંત્રમાં ગટર પર બનાવેલ ઢાંકણ મજબૂત બનાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.