મોડાસા નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં ધરાશાયી
મોડાસા શહેરમાં ૩ કલાકમાં ખાબકેલા ૨ ઇંચથી વધુ વરસાદમાં જ જાહેર માર્ગો પર તેમજ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં નગરપાલિકાના પ્રિ મોન્સૂન પ્લાનનો ફિયાસ્કો થઈ જવા પામ્યો છે.મોડાસા ચાર રસ્તા, બસ સ્ટેન્ડ પાછળ ના વિસ્તરોમાં પાણી ભરાતા ૨૦ થી વધુ સોસાયટીઓના રહીશોને અવર-જ્વરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીની ગટરોની સફાઈની કામગીરીમાં પોલમપોલ થતા સોસાયટીઓમાં ઢીંચણ સમા પાણી ભરાઇ જતા નગરજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
મોડાસા નગરપાલિકા તંત્ર વરસાદી પાણીના નિકાલ માટે વર્ષે દહાડે કરોડો રૂપિયા ભૂગર્ભ ગટર યોજના પાછળ ખર્ચવા છતાં શહેરની સ્થિતિ ઠેરની ઠેર પ્રવર્તી રહી છે મોડાસા શહેરની વિદ્યાકુંજ સોસાયટી , લઘુમતી વિસ્તારમાં આવેલી કેટલીક રહેણાંક સોસાયટીઓ અને વિસ્તારો અને બસ સ્ટેન્ડ પાછળ આવેલી વિવિધ સોસાયટીઓમાં વરસાદની ઋતુ સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા હોય તેમજ કેટલીક સોસાયટીઓમાં તો ઘરવખરી પણ તણાઇ જાય તે પ્રકારે પાણી ભરાતા હોય છે.
શનિવારે સવારે મુશળધાર વરસાદ ખાબકતા મોડાસા શહેરનો પ્રિ-મોન્સૂન પાણીમાં ધરાશાયી થતા વિદ્યાકુંજ સોસાયટી સહીત લઘુમતી વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાતા બેટમાં ફેરવાતા સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો