મોડાસા બસ સ્ટેન્ડ નજીક ટ્રક : કન્ટેનર બેકાબુ : રોડ નજીક રહેલી શાકભાજીની ત્રણ લારીનો કચ્ચરઘાણ ૫ દુકાનોને નુકશાન
પ્રતિનિધિ દ્વારા, જીત ત્રિવેદી ભિલોડા: અરવલ્લી જીલ્લામાં ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી ભાર વાહક વાહનના ચાલકો બેફામ ગતિએ વાહન હંકારતા અનેક નાના-મોટા વાહનો અને રાહદારીઓને અડફેટે લેવાની ઘટનાનો સતત બની રહી છે મોડાસામાં બસ સ્ટેન્ડ નજીક ધનસુરા તરફથી આવતા ટ્રક-કન્ટેનર ચાલકે કાબુ ગુમાવતા રોડની બાજુમાં રહેલી શાકભાજીની ત્રણ લારી અને ૫ દુકાનોને અડફેટે લઈ વીજપોલ સાથે ટકરાઈ ઉભું રહી જતા ટ્રક-કન્ટેનર ઘટનાસ્થળે મૂકી
ચાલક નાસી છૂટ્યો હતો મોડી રાત્રીએ ધડાકાભેર સર્જાયેલ અકસ્માતના પગલે લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રક-કન્ટેનર પોલીસ સ્ટેશન ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
રવિવારે મોડી રાત્રે ધનસુરા તરફથી આવતા ટ્રક-કન્ટેનરના ચાલકે બસ સ્ટેન્ડ નજીક ટ્રક-કન્ટેનર પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની બાજુમાં દુકાન બહાર રહેલી ત્રણ શાકભાજીની લારીઓ પર ફરી વળી વીજપોલ સાથે અથડાઈ દુકાનોમાં ઘુસી જતા વીજપોલ ધરાશાયી થવાની સાથે ત્રણ લારીઓનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો વીજપોલ ધરાશાયી થતા વીજપુરવઠો ખોરવાયો હતો અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા
સદનસીબે દિવસ-રાત સતત નાના-મોટા વાહનોથી અને રાહદારીઓથી ધમધમતા રોડ પર જાનહાની ટળતા અકસ્માતના પગલે દોડી આવેલી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો ટ્રક-કન્ટેનર ચાલક ટ્રક ઘટનાસ્થળે મૂકી ફરાર થઈ જતા પોલીસે ટ્રકને ટાઉન પોલીસ સ્ટેશનમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.