મોડાસા રૂરલ પોલીસે બ્રેઝા કારમાંથી ૨ લાખનો દારૂ ઝડપ્યો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગાંધીના ગુજરાતમાં દિવાળીના તહેવારમાં કેટલાક દારૂના શોખીનો રંગે રંગાવાની સાથે વિદેશી દારૂની મહેફિલ માણી ઝુમતા હોવાથી વિદેશી દારૂની માંગ માં મોટા પ્રમાણમાં વધારો થતો હોય છે બુટલેગરો દારૂની હેરાફેરીમાં લકઝુરિયસ વાહનોનો ઉપયોગ કરી પોલીસની આંખમાં ધૂળ નાખતા હોય છે મોડાસા રૂરલ પોલીસે રાજેન્દ્રનગર ચોકડી પરથી પસાર થતી ન્યુ-બ્રાન્ડેડ બ્રેઝા કારમાંથી ૨.૨૧ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી હરિયાણાના ૨ યુવા બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
અરવલ્લી એલસીબી પોલીસે બોર કંપા નજીક બાઈક પર ખેપ મારતા મોટા કંથારીયા ગામના ૨ શખ્સોને 1૨ હજારના દારૂ સાથે દબોચી લીધા હતા તેમજ ધનસુરાના રહિયોલ ફાટક પાસેથી અપાચે બાઈક પર રહેલા થેલામાંથી ૭ હજારથી વધુનો દારૂ ઝડપી લીધો હતો પોલીસ ચેકીંગ જોઈ ફરાર બાઈક ચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એસ.એન.પટેલ સહિતની ટીમે નેશનલ હાઈવે માર્ગની રાજેન્દ્રનગર ચોકડી ઉપર હાથ ધરાયેલ આ ચેકીંગ દરમ્યાન રાજસ્થાન તરફથી આવી રહેલ નંબર વગરની ગાડીને અટકાવી તલાસી લેતા પાછળની સીટ તેમજ ડીકીમાંથી ઈંગ્લીશ દારૂની ૪૦૨ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૂનો જથ્થો,ગાડી અને ૩ મોબાઈલ સહિત કુલ રૂ.૭,૦૭,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
જયારે પ્રતિબંધીત વિસ્તારમાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરીમાં સંડોવાયેલા ગાડી ચાલક પ્રકાશ કરણસીંગ જાટ અને સંદીપ સતબીરસીંગ જોગી બંને રહે.ચીડાના, તા.ગોહાણા, જિ.સોનીપથ (હરીયાણા)ને ઝડપી આ આરોપીઓ વિરૃધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
અરવલ્લી એલસીબી પીઆઈ આર કે પરમાર અને તેમની ટીમે જીલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથધરાતા બોર કંપા નજીક થી બાઈક પર દારૂની ખેપ મારી રહેલા બે બુટલેગરો મહેશભાઈ જયંતિભાઈ કટારા અને વનરાજ હિરા ભગોરા બંને રહે. મોટા કંથારિયા તા. ભિલોડા જી. અરવલ્લી વિદેશી દારૂની ડિલેવરી કરે તે પહેલાં દબોચી લઈ ઓફિસર ચોઈસ ક્વાર્ટરીયા નંગ. ૭૨. જેની કિંમત ૧૨,૦૦૦/- તથા મોબાઇલ, મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૩૯,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અન્ય એક બનાવમાં ધનસુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા રહિયોલ ફાટક નજીક મોડાસા તરફથી આવતાં વાહન ચેકિંગમાં હતા ત્યારે, વાહન ચેકીંગ જોઈ દુરથી બાઇક પરથી ઉતરી અંધારાનો લાભ લઈ બાઈક સવાર નાસી ગયો હતો. એલસીબી પોલીસે બિનવારસી બાઈક પરના થેલામાંથી વિદેશી દારૂની બોટલ નંગ.૧૨. કિંમત રૂપિયા ૭,૨૦૦/- તથા બાઈક મળી કુલ રૂપિયા ૪૨,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ ફરાર બુટલેગર વિરુદ્ધ ધનસુરા પોલીસ મથકે ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.