મોડાસા રૂરલ પોલીસ મારામારીના ગુન્હાના આરોપીઓને છાવરતી હોવાનો ફરિયાદીનો આક્ષેપ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસા રૂરલ પોલીસ છેલ્લા કેટલાક સમયથી વિવાદનું કેન્દ્ર બની રહી છે ફરિયાદીની ફરિયાદ લેવામાં ઉણી ઉતરી રહી હોવાની અને આરોપીઓને છાવરવામાં પાવરધી બનતી હોવાની બૂમો ઉઠી રહી છે ત્યારે વધુ એક મારામારીની ફરિયાદમાં પીડિત પરિવારે મોડાસા રૂરલ પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો આક્ષેપ કરી પરિવારજનો રજુઆત કરવા રૂરલ પોલીસ સ્ટેશનમાં પહોંચતા ભારે હોબાળો મચ્યો હતો અને પોલીસ આરોપીઓના ઘરે જઈ ડેલીએ હાથ ફેરવી પરત ફરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો
થોડા દિવસ અગાઉ મોડાસા તાલુકાના સીતપુર ગામે ફોટા પાડવાની બાબતે ઝઘડો થયો હતો.જેમાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડીઓ લઈ હુમલો કરી દીધો હતો. જેમાં ચાર વ્યક્તિઓને માથામાં અને શરીરના ભાગે લાકડીઓ વાગતાં ઈજાઓ પહોંચી હતી,જેથી સારવાર અર્થે ખસેડાયા હતા સીતપુર ગામના દશરથસિંહ નટવરસિંહ ચૌહાણે રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓએ અરવિંદસિંહ ચૌહાણને કહેલ કે તમે મારા પિતા સરકારી ગાડી ઘરે લઈને આવેલા હતા
તેના ફોટા પાડી કેમ શેર કર્યા છે. તેમ કહેતા અરવિંદસિંહ ઉશ્કેરાઈ ગયો હતો ને ગાળો બોલી લાકડી લઈ હુમલો કર્યો હતો.જેમાં સોવનબેન, મહેશકુમાર,શ્રવણકુમાર તથા વિક્રમસિંહ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.આમ ત્રણ જણા ભેગા મળી હુમલો કર્યો હતો.અને ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ હતી. આમ ફોટા પાડવાની બાબતે પુછતાં ઝઘડો કરી માથામાં લાકડીઓ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં ઈજા થયેલ ચાર ઈસમોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવ અંગે દશરથસિંહ નટવરસિંહ ચૌહાણે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી અરવિંદસિંહ રાંણસિંહ ચૌહાણ, જયેશસિંહ અરવિંદસિંહ ચૌહાણ અને મનુસિંહ માલસિંહ ચૌહાણ (ત્રણેય રહે. સીતપુર (ઓરડા), તા.મોડાસા) નાઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણ શખ્શો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે પરંતુ આ ઘટનાને ૬ દિવસ થવા છતાં આરોપીઓની પોલીસ ધરપકડ કરતી ન હોવાનો અને આરોપીઓ ગામમાં ખુલ્લેઆમ ફરતા હોવાનો આક્ષેપ કરતા અને આરોપીઓની ધરપકડ તાત્કાલીક કરવામાં આવેની માંગ સાથે રૂરલ પોલીસ સ્ટેશનમા પહોંચી આક્રોશ વ્યક્ત કર્યો હતો