મોડાસા :લૉ કૉલેજના વિદ્યાર્થીઓને જિલ્લા કૉર્ટની મુલાકાત લીધી, કાયદાના પાઠ શીખ્યા
મોડાસાની શ્રી એન. એસ. પટેલ લો કોલેજના વિદ્યાર્થીઓએ અરવલ્લી જિલ્લા ન્યાયાલય ની મુલાકાત કરી લીધી હતી. કૉરોના વાઇરસની મહામારી બાદ રાજ્ય સરકારે કૉલેજ શરૂ કરવાની મંજૂરી આપ્યા બાદ મોડાસાની વિવિધ કૉલેજ શરૂ થઇ ચૂકી છે, આ વચ્ચે કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ જ્ઞાન મળી રહે તેવા હેતુથી લૉ કૉલેજના વિદ્યાર્થીઓને જિલ્લા ન્યાયાલયની મુલાકાત કરાવવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લાની કૉર્ટમાં કાર્યવાહી શરૂ થઇ ગઇ છે આ વચ્ચે લૉ કૉલેજના વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે શ્રી.એન.એસ.પટેલ લૉ કૉલેજના વિદ્યાર્થીઓને મોડાસાની ડિસ્ટ્રીક્ટ કૉર્ટની મુલાકાત માટે લઇ જવાયા હતા. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને કૉર્ટની કામગીરી અંગે વાકેફ કરાયા હતા. હાલમાં જ જિલ્લા નવીન શરૂ કરાયેલ ચાઇલ્ડ કૉર્ટની મુલાકાત કરાવીને જાણકારી આપવામાં આવી હતી.
લૉ કૉલેજના પ્રથમ, દ્રિતિય અને તૃતિય સેમિસ્ટરના વિદ્યાર્થીઓને ફેમિલી કૉર્ટના ન્યાયાધીશ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૉર્ટની મુલાકાત માટે વિશેષ આયોજન આચાર્ય રાજેશ વ્યાસ દ્વારા કરાયું હતું, તો વિદ્યાર્થીઓને કૉર્ટ પરિસરમાં પ્રૉ.ડૉ. અશોક શ્રોફ તેમજ પ્રૉ. ડૉ. સોનિયા જોષી દ્વારા માહિતગાર કરાયા હતા.