મોડાસામાં સીએનજી સ્ટેશનનુ ઉદ્દધાટન : હવે પાઇપથી 50 હજાર ગેસ જોડાણો મળશે
મોડાસા: અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાબરમતી ગેસ સંચાલિત પમ્પીંગ સ્ટેશનનું ઉદ્દધાટન સાબરમતી ગેસ. લિના ચેરમેન સંજીવકુમાર તથા જિલ્લા સમાહર્તા શ્રી અમૃતેશ ઔરંગાબાદકરના હસ્તે કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક પ્રવચન કરતા સાબરમતી ગેસ લિ.ના ચેરમેન સંજીવકુમારે જણાવ્યું હતું કે, હાલ ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ૯૫ સીએનજી ગેસ સ્ટેશન દ્વારા ૧.૫૦ લાખ વાહનોને ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે. જયારે ૧૦૦૦થી વધુ ઔધોગિક-વાણિજ્ય એકમોને ગેસ અપાય છે. જયારે ૧.૭૫ લાખ ગ્રાહકોને ઘરેલુ વપરાશ માટે રાંધણગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે.
તેમણે અરવલ્લી જિલ્લાની વાત કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં રૂ. ૫૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. જેના થકી ૫૦ હજાર ગ્રાહકોને આવરી લેવાશે જયારે રૂ. ૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ સીએનજી સ્ટેશનથી પાંચથી સાત હજાર વાહનોને ગેસ પૂરો પાડવામાં આવશે. આ ઉપરાંત આગામી સમયમાં ૨૦ નવિન પંપ ઉભા કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યુ હતું.
જિલ્લા સમાહર્તા અમૃતેશ ઔરંગાબાદકરે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, સીએનજી સ્ટેશન શરૂઆત કરવાથી ઔધોગિક એકમોમાં ક્રાંતિ આવશે. જેમાં મોડાસા, માલપુર, ભિલોડા અને ધનસુરા તાલુકાની જીઆઇડીસીને લાભ મળતો થશે એટલે રોજગારીની વધુ તકો ઉપલબ્ધ થશે. આ પ્રસંગે સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ, સાબરમતી ગેસના એમ.ડી સહિત અન્ય સ્ટાફ અને શહેરીજનો મોટી સંખયામાં ઉપસ્થિત રહ્યા હતા.