મોડાસા-હિંમતનગર રોડ પર બે જુદા-જુદા ગમખ્વાર અકસ્માત :- ૧ સગર્ભા મહિલાનું મોત ૧૦ લોકો ઈજાગ્રસ્ત
ભિલોડા, અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી બેફામ વાહનો હંકારી વારંવાર અકસ્માત સર્જી નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે ખંભીસર ગામ નજીક ટ્રેક્ટર ચાલકે ખેતમજુર પરિવારને અડફેટે લેતા સગર્ભા મહિલાનું ઘટનાસ્થળે પતિ અને દીકરીની આંખો સામે કમકમાટી ભર્યું મોત નિપજતા ટ્રેક્ટર ચાલકની ભૂલના ભોગે ખેતમજુર પરિવાર પીંખાઈ ગયો હતો આ અકસ્માતમાં એક સગીર અને અન્ય મહિલા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા અન્ય એક અકસ્માત ખુમાપુર-કાબોલા નજીક સર્જાયો હતો જેમાં ઇકો વાન પલ્ટી જતા ૭ લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા
શનિવારે સાંજના સુમારે, મોરમહુડી (દાહોદ) ગામના અને ખંભીસર ગામમાં ખેતમજુર તરીકે પરિવાર સાથે જીવનનિર્વાહ ચલાવતા પરિવાર પર ટ્રેક્ટર ફરી વળતા મહિલાનું મોત નિપજતા હાહાકાર મચ્યો હતો ખેતમજૂરી કરી હિંમતનગર-મોડાસા રોડ પરથી પરત ફરતા સમયે હિંમતનગર તરફથી આવતા ટ્રેક્ટરના ચાલકે ખેતમજુર પરિવારને અડફેટે લેતા સુરપાબેન સંજયભાઈ મુનિયા( ઉં.વર્ષ-૨૯) નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
સુરેશ દિનેશભાઇ મુનિયા અને સુરાતાબેન ઈશ્વરભાઈ મુનિયા ના શરીરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા અકસ્માતના પગલે દોડી આવેલ મોડાસા રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલાની લાશને પીએમ માટે ખસેડી મૃતક મહિલાના પતિ સંજયભાઈ નાથુભાઈ મુનિયા ની ફરિયાદના આધારે ટ્રેકટર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ફરાર ટ્રેકટર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા .
રવિવારે સવારે મોડાસા-હિંમતનગર રોડ પર ઇકો વાન પલટી ખાઈ ઝાડ સાથે અથડાતા અકસ્માતની ઘટનામાં ૭ લોકો ઈજાગ્રસ્ત થતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સના સાયરનથી રોડ ગુંજી ઉઠતા આજુબાજુના ગામલોકો પણ ચિંતિત બન્યા હતા સદનસીબે જાનહાની ટળી હતી
સંતરામપુરના કડાણા ગામનો પરિવાર વિસનગર લગ્ન માં જઈ પરત ફરી રહ્યો હતો ખુમાપુર પાટિયા નજીક ઈકો કાર પલ્ટી ખાઈ જતા કારમાં સવાર ૧) હિમાનીબેન પટેલ,૨) મંજુલાબેન પટેલ ,૩)જયમીન પટેલ ,૪)યામીન પટેલ,૫)પ્રદીપ પટેલ,૬) રાજેશ પટેલ , અને ૭) જયાબેન પટેલ ના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતની ઘટનાના પગલે દોડી આવેલા લોકોએ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ ને જાણ કરતા બે ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા