મોડી રાત્રે ખુલ્લી રિક્ષામાં ચિચિયારીઓ પાડતા બે ઝબ્બે
અમદાવાદ: કેટલાક લોકો મોડી રાત્રે જાહેર રસ્તાઓ પર નીકળીને બૂમો ચિચિયારીઓ પાડીને વિકૃત આનંદ મેળવતા હોય છે. ગત મોડી રાત્રે ઉસ્માનપુરા ચાર રસ્તા નજીક આવો જ વિકૃત આનંદ મેળવતા બે લોકોને પોલીસે ઝડપી પડયા છે. જોકે, તપાસ કરતા આરોપી પાસેથી ધારદાર ખુલ્લી તલવાર પણ મળી આવી છે. શાહપુર વિસ્તારના લોકો ઈનકમ ટેક્ષ બ્રિજની નીચે સૂવા માટે આવતા હોવાથી અવારનવાર બનાવો બને છે. જેથી વાડજ પોલીસ તેઓને ત્યાંથી દૂર કરવા માટે પહોંચી હતી.
આ દરમિયાન ઉસ્માનપુરા સર્કલ તરફથી એક રિક્ષામાં બે લોકો પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા. તેઓ બૂમો, ચિચિયારીઓ પાડી રહ્યા હતા. જેથી પોલીસે બંનેને અટકાવ્યા હતાં અને બંનેની પૂછપરછ કરી રિક્ષામાં તપાસ કરી હતી. જોકે, રિક્ષામાં પાછળની સીટ પરથી ખુલ્લી ધારદાર તલવાર મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ બંને આરોપીઓની તલવાર રાખવા બાબતે પૂછપરછ કરતા બંને ઈસમો યોગ્ય જવાબ આપી શક્યા ન હતા.
જેથી પોલીસે બંનેની ધરપકડ કરી ને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી ભરત રાવત ન્યુ રાણીપ વિસ્તારનો છે, જ્યારે વિશાલ ચૌહાણ જૂના વાડજનો રહેવાસી હોવાનુ જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ માં ઇ.પી.કો. કલમ ૧૮૮, ૧૧૪ અને જી પી એકટ કલમ ૧૩૫ (૧) મુજબ કાર્યવાહી કરી છે