મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય જોખમી સાબિત થયો : કેસ વધ્યા
મ્યુનિ.કોર્પાેરેશને ૨૬ વિસ્તારમાં રાત્રે ૧૨ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા આપેલી પરવાનગીના માઠા પરીણામ
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં દિવાળીની મધરાતથી અચાનક કોરોનાના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો હતો જે હજી સુધી યથાવત જાેવા મળી રહ્યો છે. કોરોના કેસમાં થયેલા વધારા માટે દિવાળી તહેવારની ખરીદી માટે ઉમટેલા નાગરીકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ કોરોનાની બીજી લહેર માટે નાગરીકોની સાથે સાથે વહીવટીતંત્ર પણ સરખા હિસ્સે જવાબદાર રહ્યું છે.
નવરાત્રિ સુધી અધિકારીઓ દ્વારા જે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. તેમાં અચાનક પલટો આવ્યો હતો. તથા શહેર કોરોનામુક્ત થઈ ગયું હોય તેમ છૂટછાટ આપવામાં આવી હતી. જેમાં લગ્ન પ્રસંગોમાં ૨૦૦ વ્યક્તિ, મોટા બજારોમાં ચોકસાઈ ન રાખવી, કાંકરીયા પરિસર ખુલ્લા મૂક્યા બાદ આરોગ્યલક્ષી પ્રવૃત્તિ માટે બેદરકારી રાખવી વગેરે મુખ્ય છે. મ્યુનિ.તંત્ર દ્વારા પશ્ચિમના ૨૬ વિસ્તારોમાં મોડી રાત સુધી દુકાનો અને ખાણીપીણી બજાર ખુલ્લા રાખવા જે છુટછાટ આપવામાં આવી હતી તેના કારણે સૌથી વધુ નુકસાન થયું છે. એક અંદાજ મુજબ જે વોર્ડ-વિસ્તારોમાં આ છુટછાટ આપવામાં આવી હતી તે વિસ્તારોમાં નવેમ્બર મહિનાના કુલ કેસના ૬૫ ટકા કેસ કન્ફર્મ થયા હતા.
શહેરમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો જાેવા મળ્યો હતો. જેના કારણે, અતિઉત્સાહમાં આવી ગયેલા મ્યુનિ.અધિકારીઓએ “રાહત પેકેજ”ની માફક છુટછાટો આપવાની જાહેરાતો શરૂ કરી હતી. રાજકીય સરકાર દ્વારા નિયુક્તિ ઓ.એસ.ડી. અને મ્યુનિ.અધિકારીઓ દ્વારા જે છુટછાટો આપવામાં આવી હતી. તેના કારણે પશ્ચિમ વિસ્તારના રહીશોને ઘણી જ તકલીફ થઈ છે. દિવાળી તહેવાર સમયે ભદ્ર પ્લાઝા, ઢાલગરવાડ અને રતનપોળ જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં ખરીદી માટે ઉમટેલા નાગરીકો પર નિયંત્રણ લાદવાના બદલે પશ્ચિમના વિસ્તારોને વધુ મુક્તિ આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા નિયુક્તિ ઓ.એસ.ડી.ના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પશ્ચિમ વિસ્તારના ૨૬ જેટલા વિસ્તારોમાં દુકાનો અને ખાણીપીણી બજારો રાત્રે ૧૨ વાગ્યા સુધી ખુલ્લા રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.
અધિકારીઓ દ્વારા અતિઉત્સાહમાં લેવામાં આવેલા આ નિર્ણયના માઠા પરીણામ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનના નાગરીકો ભોગવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યા મુજબ મ્યુનિ. અધિકારીઓએ થલતેજ, બોડકદેવ, ગોતા, જાેધપુર, વેજલપુર, નવરંગપુરા વોર્ડના મુખ્ય બજારોને મોડી રાત્રી સુધી ખુલ્લા રાખવા જાહેરાત કરી હતી જેના કારણે આ વિસ્તારોમાં કોરોના કેસમાં ધરખમ વધારો થયો છે. શહેરમાં નવેમ્બર મહિનામાં પ્રથમ ૨૯ દિવસ દરમ્યાન કોરોનાનાા કુલ ૬૬૯૫ કેસ નોંધાયા હતા. જેના ૬૫ ટકા કેસ આ ૨૬ વિસ્તારોમાં નોંધાયા છે.
૨૯ નવેમ્બર સુધી પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૪૨૯૭ કેસ નોંધાયા હતા. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૫૧૯, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૯૮૨ તથા પશ્ચિમ ઝોનમાં ૧૭૯૬ કેસ કન્ફર્મ થયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં નવેમ્બર મહિનામાં નોંધાયેલા ૯૮૨ કેસ પૈકી ૭૫૦ કેસ માત્ર જાેધપુર વોર્ડમાં કન્ફર્મ થયા હતા. મ્યુનિ.અધિકારીઓ દ્વારા મહત્તમ છુટછાટ જાેધપુર વોર્ડમાં આપવામાં આવી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે જાેધપુર વોર્ડમાં કોરોનાના કુલ ૧૪૦૬ કેસ નોંધાયા છે. જે પૈકી ૭૫૦ કેસ નવેમ્બર મહિનાના માત્ર ૨૯ દિવસમાં નોંધાયા હતા. તેવી જ રીતે બોડકદેવ વોર્ડમાં પણ નવેમ્બરમાં ૪૨૫ કેસ નોંધાયા હતા. બોડકદેવ વોર્ડમાં કોરોનાના કુલ ૧૧૨૫ કેસ નોંધાયા છે જે પૈકી ૪૨૫ કેસ એટલે કે લગભગ ૩૮ ટકા કેસ નવેમ્બરના ૨૯ દિવસ દરમ્યાન બહાર આવ્યા હતા. મ્યુનિ.કમીશનર મેયર અને ડે.કમિશનરો જે વોર્ડમાં વસવાટ કરે છે તે નવરંગપુરા વોર્ડની સ્થિતિ પણ ખરાબ થઈ છે.
મ્યુનિ.કોર્પાેરેશનના નવરંગપુરા વોર્ડમાં સી.જી.રોડ, મ્યુનિ.માર્કેટ તથા લો-ગાર્ડન રાત્રી ખાણીપીણી બજારને રાત્રે ૧૨ વાગ્યા સુધી ખુલ્લા રાખવા પરવાનગી આપવામાં આવી હતી. જેના પરીણામ સ્વરૂપ નવેમ્બર મહિનાના ૨૯ દિવસમાં નવરંગપુરા વોર્ડમાં કોરોનાના ૩૨૩ કેસ નોંધાયા હતા. નવરંગપુરા વોર્ડમાં કોરોનાના કુલ ૧૦૯૬ કેસ નોંધાયા છે જે પૈકી લગભગ ૩૦ ટકા કેસ માત્ર નવેમ્બર મહિનામાં જ નોંધાયા છે.
આ ઉપરાંત થલતેજ વોર્ડમાં ૩૨૨, ઘાટલોડીયા વોર્ડમાં ૨૮૯, ગોતામાં ૩૨૨, પાલડીમાં ૩૪૪ તથા નારણપુરામાં ૨૫૫ કેસ નવેમ્બરમાં જ નોંધાયા છે. આ તમામ વિસ્તારોમાં દુકાનો અને ખાણીપીણી બજારો રાત્રે ૧૨ વાગ્યા સુધી ખુલ્લા રાખવા પરવાનગી આપવામાં આવી હતી. જેની સરખામણીમાં જે ભીડભાડવાળા બજારોમાં નાગરીકો ખરીદી માટે ઉમટ્યા હતા તે વિસ્તાર કે વોર્ડમાં ઓછા કેસ નોંધાયા છે. કોટ વિસ્તારના જમાલપુર વોર્ડ કે જ્યાં એક સમયે સૌથી વધુ કેસ હતા તે વોર્ડમાં નવેમ્બરમાં માત્ર ૧૨ કેસ નોંધાયા હતા. જ્યારે ખાડીયામાં ૫૩, દરીયાપુરમાં ૧૦ અને શાહપુરમાં ૨૧ કેસ કન્ફર્મ થયા હતા.