મોઢેરામાંથી ચાર કાગડા મૃત હાલતમાં મળી આવ્યા
અમદાવાદ: દેશભરમાં બર્ડ ફ્લૂના કારણે સેંકડો પક્ષીઓના મોત નીપજ્યા છે. ત્યારે મોઢેરાના પ્રખ્યાત સૂર્ય મંદિરના બગીચામાંથી ચાર કાગડા મૃત અવસ્થામાં મળી આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. તેમણે તરત જ પશુપાલન વિભાગને ફોન કરીને આ અંગે જાણ કરી હતી.
કાગડાના મોત એવિયન ફ્લૂના કારણે થયા છે કે નહીં તે તપાસવા માટે તેમના મૃતદેહોને ભોપાલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. વિભાગે થોળ પક્ષી અભયારણ્યમાંથી સ્થળાંતર કરીને આવેલા ૫૪ જેટલા પક્ષીઓના સેમ્પલ પણ લીધા હતા અને તેને ભોપાલની હાઈ સિક્યુરિટી એનિમલ ડિસીસ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.
મહેસાણા પશુપાલન વિભાગ અધિકારી ભરત દેસાઈએ જણાવ્યું હતું કે, એવિયન ફ્લૂના કેસમાં, મોટી સંખ્યામાં પક્ષીઓ અચાનક મરી જાય છે. આ કિસ્સામાં, અજાણ્યા કારણોસર માત્ર ચારના જ મોત થયા છે. તે એવિયન ઈન્ફ્લુએન્ઝાના કારણે થયું હોય તેમ લાગતું નથી.
અમે વિગતવાર વિશ્લેષણ માટે મૃત કાગડાઓને ભોપાલની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ડો. દેસાઈએ ઉમેર્યું હતું કે, ‘સાવચેતીના ભાગરુપે, પશુપાલન વિભાગે થોળમાંથી સ્થળાંતર કરીને આવેલા ૫૦ પક્ષીઓની ચરક અને લોહી સહિતના સેમ્પલ લીધા હતા અને તેને વિશ્લેષણ માટે ભોપાલ મોકલ્યા હતા. આ દરમિયાન, માણાવદરના બાંટવા ડેમ પાસે બીમાર હાલતમાં મળી આવેલા વધુ બે ટીટોડીના મોત નીપજ્યા છે.
તેના સેમ્પલને પણ ભોપાલ મોકલવામાં આવ્યા છે. ૨ જાન્યુઆરીએ, માણાવદરમાં ૬ સ્થળાંતર કરનાર પ્રજાતિઓ સહિત ૫૩ પક્ષીઓના મોત થતાં, બર્ડ ફ્લૂની આશંકા વધી હતી.
જાે કે, જંતુનાશક દવાઓનો છંટકાવ કરેલા ઘઉં ખાવાથી તેમના મોત થયા હોવાનું પશુપાલન વિભાગ અને વન વિભાગે જણાવ્યું હતું. તાપીમાં, ઉચ્છલ તાલુકાના ગામડાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટી સંખ્યામાં મરઘાના મોત થયા હોવાની જાણ થતાં પશુપાલન વિભાગે કાર્યવાહી કરી હતી. ‘અન્ય રાજ્યોમાંથી બર્ડ ફ્લૂના કેસ નોંધાયા હોવાની સાથે, વિભાગે સેમ્પલ લીધા હતા અને તેને તપાસ માટે ભોપાલ મોકલ્યા હતા, તેમ અધિકારીઓએ કહ્યું હતું.