મોદીએ અધિકારી કામ ન કરી શકે તો વહેલા નિવૃત્ત કરી દેવા ધમકી આપી
નવીદિલ્હી: રેલ્વે મંત્રાલય દ્વારા મહત્વના પ્રોજેક્ટ પાર પાડવામાં થઈ રહેલા વિલંબથી અકળાયેલા મોદીએ રીવ્યુ મીટિંગમાં અધિકારીઓને તતડાવી નાંખ્યા હોવાના અહેવાલ છે. મોદીએ હાલમાં જ રેલ્વે મંત્રી નિમાયેલા અશ્વિની વૈષ્ણવને પણ કેટલાક સીનિયર અધિકારીઓ સામે કડક હાથે કામ લેવા તાકીદ કરી હોવાનો સૂત્રોનો દાવો છે. આ અધિકારીઓ કામ કરવાની પધ્ધતિના બદલે તો તેમને વહેલા નિવૃત્ત કરી દેવાની કાર્યવાહી કરવા પણ મોદીએ કહી દીધું હોવાનું કહેવાય છે.
મોદીની અકળામણના પગલે રેલ્વે બોર્ડના એડિશનલ મેમ્બર (વર્ક્સ)એ તમામ જનરલ મેનેજરો તથા રેલ્વેની સબસિડરીઝને પત્ર લખીને સરકાર દ્વારા નક્કી કરાયેલા મહત્વના પ્રોજેક્ટ્સના અમલમાં કેમ વિલંબ થયો તેનાં કારણો માગ્યાં છે. આ વિલંબ માટે કોણ જવાબદાર છે તેની વિગતો પણ માગવામાં આવી છે. સરકારે રેલ્વેના ૯૦ મહત્વના પ્રોજેક્ટને પ્રાયોરિટી આપવા કહ્યું હતું પણ મોટા ભાગના પ્રોજેક્ટ પાંચ વર્ષ પછી પણ પૂરા નથી થયા. રીવ્યુ મીટિંગમાં ઝડપ કરવા વારંવાર તાકીદ કરવા છતાં કંઈ ના થતાં મોદી બગડયા છે.