મોદીએ ભારત સહિત આખી પૃથ્વી સ્વસ્થ રહે તેવી કામના
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૧૭મી સપ્ટેમ્બરે એટલે કે ગુરુવારે જન્મદિવસ હતો, વડાપ્રધાન આ જન્મદિવસ પર ૭૦ વર્ષના થયા છે. તેમણે પોતાના જન્મદિવસ થયેલા શુભેચ્છાઓના વરસાદ બદલ આભાર વ્યક્ત કર્યો છે.
આ વખતે એક એવો સવાલ પણ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીને પૂછાઈ રહ્યો હતો તેમને બર્થડે ગીફ્ટ તરીકે શું જોઈએ છે? જેનો વડાપ્રધાન મોદીએ મોડી રાત્રે જવાબ પણ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે સાડા ૧૨ પછી એક ટ્વીટ કરીને પોતાના જન્મદિવસ પર કેવી ભેટ જોઈએ છે તે વિશે જણાવ્યું છે.
તેમણે ગીફ્ટમાં કોરોના વાયરસ લોકોથી દૂર રહે અને સૌ કોઈ તંદુરસ્ત રહે તેવી ભેટ માગી છે. વડાપ્રધાન મોદીએ મોડી રાત્રે કરેલા ટ્વીટમાં લખ્યું છે કે, “મને ઘણાં લોકોએ પૂછ્યું છે કે મને જન્મદિવસ પર શું જોઈએ છે, હું જે જણાવી રહ્યો છું તે મને હમણાં જ જોઈએ છેઃ માસ્ક પહેરવાનું રાખો અને તે વ્યવસ્થિત રીતે પહેરો; સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. ‘દો ગજ કી દૂરી’ યાદ રાખો;
ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળો; ઈમ્યુનિટી વધારે સારી બનાવો. અંતમાં તેમણે પોતાના ટ્વીટમાં માત્ર ભારત જ નહીં પણ આખી પૃથ્વીને સ્વસ્થ રહે તેવી કામના કરી છે. મહત્વનું છે કે વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર ભારતની સાથે દુનિયાભરના લોકોએ શુભેચ્છાઓ પાઠવી, જેમાં નેતા, અભિનેતા, બિઝનેસમેન વગેરેનો સમાવેશ થાય છે. એક વિડીયો વાયરલ થયો હતો જેમાં અલગ-અલગ દેશના બાળકો તેમને જન્મદિવસ શુભેચ્છા પાઠવી રહ્યા હતા. આ બાળકો તેમને પોતાના દેશની ભાષામાં શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે.
૭૦ વર્ષના થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર મળેલી શુભેચ્છાઓ બદલ તેમણે જણાવ્યું કે, “જન્મદિવસની શુભેચ્છાઓ તેમને લોકોના કામ કરવાની અને તેમને સારું જીવન મળે તે દિશામાં આગળ વધવા માટે હિંમત આપનારી છે. વડાપ્રધાને પોતાના એક અન્ય ટ્વીટમાં લખ્યું છે કે, “ભારતના લોકોની સાથે દુનિયાના લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે. હું દરેકનો આભાર વ્યક્ત કરું છું કે જેમણે મને શુભકામનાઓ પાઠવી છે. આ શુભેચ્છાઓ મને નાગરિકોના જીવનને વધારે સારું બનાવવાની દિશામાં કામ કરવા માટે તાકાત આપનારી છે.