મોદીએ મનપ્રિતને કહ્યું, તમારા અવાજમાં આજે દમ લાગે છે
નવી દિલ્હી : ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે ૪૧ વર્ષ પછી એટલે કે ૪ દાયકા બાદ કમાલ કરી બતાવી છે. ભારતે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં જર્મની સામે ઐતિહાસિક જીત મેળવી લીધી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને કેપ્ટન મનપ્રીત સિંહ સાથે ફોન પર વાત કરી હતી. આ પ્રસંગે મોદી કહ્યું તમે ઇતિહાસ બનાવ્યો છે, આજે તમારા અવાજમાં દમ લાગી રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ ફોન પર વાત કરીને મનપ્રીત સિંહને કહ્યું, આજે તમારો અવાજ ઊંચો અને સ્પષ્ટ છે, જ્યારે એ દિવસે (જ્યારે બેલ્જિયમ સામે હાર મળી હતી) થોડો ધીમો હતો. વડાપ્રધાન મોદીએ મનપ્રીન સહિત હોકી ટીમે શુભેચ્છા પાઠવીને કહ્યું કે, તમને જીત બદલ શુભેચ્છાઓ, બ્રોન્ઝ મેડલ લઈને ઘરે આવો. આ સિવાય વડાપ્રધાને મુખ્ય કોચ ગ્રાહમ રીડ અને આસિસ્ટન્ટ કોચ પીયૂષ દુબે સાથે પણ વાત કરી છે. સવારે મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, હોકી ટીમની જીત સાથે ભારત પ્રફુલ્લિત, પ્રેરિત અને ગર્વિત થયું છે.
વડાપ્રધાન મોદીએ પોતાના શુભેચ્છા સંદેશમાં લખ્યું હતું કે, ટોકિયોમાં હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી છે, આ ગર્વની ક્ષણ છે. આ નવું ભારત છે, આત્મવિશ્વાસથી ભરેલું ભારત છે. હોકી ટીમને ફરી ખુબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ.
૧-૩થી ભારતીય ટીમ પાછળ હતી, આ પછી શાનદાર જીત મળવીને ઇતિહાસ રચ્યો છે. એક સમયે ભારતીય ટીમ ૧-૩થી પાછળ હતી, પછી
જબરજસ્ત કમબેક કરીને ૫-૪થી મેચ જીતી લીધી છે. સિમરનજીત સિંહે (૧૭મી અને ૩૪ મિનિટે) બે ગોલ કર્યા, હાર્દિક સિંહે (૨૭મી મિનિટ), હરમનપ્રીત સિંહ (૨૯મી મિનિટ) અને રૂપિંદરપાલ સિંહે (૩૧મી મિનિટ) ૧-૧ ગોલ કર્યા હતા. ભારતે ૭ મિનિટમાં ચાર ગોલ કરીને જર્મનીના હોશ ઉડાવી દીધા હતા. અંતમાં જર્મનીએ ઘણી કોશિશો કરી જેમાં એક ગોલ કરવામાં સફળતા મળી હતી, આ સિવાય ભારતીય ગોલકીપર શ્રીજેશ અને ભારતીય ડિફેન્સે ચપળતા રાખીને ૫-૪થી મેચ પોતાના નામે કરી લીધી હતી.
ભારતને અંતિમ વખત ૧૯૮૦માં મોસ્કોમાં થયેલા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. બ્રોન્ઝ મેડલ અંતિમ વખત ૧૯૭૨માં મ્યુનિખ
ઓલિમ્પિકમાં મળ્યો હતો. ભારતે ઓલિમ્પિકમાં કુલ ૮ ગોલ્ડ જીત્યા છે. આ વર્ષે મેડલની સંખ્યા ૪ પર પહોંચી છે. જેમાં હોકી સિવાય વેઈટલિફ્ટિંગ, બેડમિન્ટન અને બોક્સિંગનો સમાવેશ થાય છે.