મોદીએ યુદ્ધમાં ઈટાલી તરફથી લડેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી
રોમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-૨૦ શિખર બેઠકમાં સહભાગી બનવા માટે ૫ દિવસીય વિદેશ યાત્રા પર છે. ગઈકાલે તેઓ ઈટાલી પહોંચ્યા હતા અને ઈટાલી પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી જી-૨૦ સમિટના પહેલા સેશનમાં હિસ્સો લેશે. વડાપ્રધાન મોદીએ વેટિકન પહોંચીને પોપ ફ્રાન્સિસની મુલાકાત લીધી હતી.
પોપ ફ્રાન્સિસ સાથેની મુલાકાત પહેલા વડાપ્રધાન મોદી ઈટાલીની રાજધાની રોમમાં ભારતીય પ્રવાસીઓની મુલાકાત લીધી હતી. વડાપ્રધાને વિશ્વ યુદ્ધમાં ઈટાલી તરફથી લડેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. વડાપ્રધાને કહ્યું કે, રોમમાં ભારતીય પ્રવાસી જે ભારત અંગે અધ્યયન કરી રહ્યા છે અને જેમણે વર્ષોથી અમારા દેશ સાથે ઘનિષ્ઠ સંબંધો વિકસિત કર્યા છે તેમના સાથે મારે સારી વાતચીત થઈ. તેમના વિચાર જાણીને સારૂ લાગ્યું.
એટલું જ નહીં, વડાપ્રધાન મોદીએ પ્રથમ વિશ્વ યુદ્ધ અને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ઈટાલીમાં લડેલા ભારતીય સૈનિકોના સ્મરણોત્સવમાં સામેલ શીખ સમુદાય અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત અન્ય સંગઠનોના સદસ્યોની મુલાકાત લઈને વાતચીત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ આ યુદ્ધોમાં ભારતીય સૈનિકો દ્વારા દેખાડવામાં આવેલી વીરતાને શ્રદ્ધાંજલિ આપી હતી.
વડાપ્રધાને ઈટાલીની યુનિવર્સિટીમાં ભારતવિદો તથા સંસ્કૃત વિશેષજ્ઞોની મુલાકાત લીધી હતી. વડાપ્રધાને ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય અને યોગ તથા આયુર્વેદમાં તેમની રૂચિ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. ભારત અને ઈટાલી વચ્ચેના સંબંધો મજબૂત બનાવવામાં તેમના દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી.HS