મોદીએ વૈષ્ણોદેવીમાં થયેલી નાસભાગ પર દુખ વ્યક્ત કર્યું
નવી દિલ્હી, જમ્મુના કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગને કારણે ૧૨ ભક્તોના મોત થયા છે. તે જ સમયે, ઘણા ઘાયલ થયા છે જેમની નારાયણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર ટિ્વટ કરીને શોક વ્યક્ત કર્યો છે. આ સાથે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ૧૦ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. સાથે જ ઘાયલોની સારવાર માટે ૨ લાખ રૂપિયા આપવામાં આવશે. પીએમ મોદીએ ટિ્વટ કરીને કહ્યું કે, માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં લોકોના મોતથી ખૂબ જ દુઃખી છું.
શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય જી સાથે વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, કટરામાં માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં ૧૨ લોકોના મોત થયા છે અને ૧૩ લોકો ઘાયલ થયા છે.
આ ઘટના લગભગ સવારે ૨ઃ૪૫ વાગ્યે બની હતી અને પ્રારંભિક અહેવાલો મુજબ એક દલીલ થઈ હતી જેના પરિણામે લોકોએ એકબીજાને ધક્કો માર્યો હતો અને પછી નાસભાગ મચી ગઈ હતી. ગઈકાલે નવા વર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા કટરા આવ્યા હતા.
આ દરમિયાન ભીડમાં ઝપાઝપી બાદ ભાગદોડ મચી ગઈ હતી અને ઘણા લોકો ઘાયલ થયા હતા. કટરા હોસ્પિટલના બીઆરઓ ડૉ. ગોપાલ દત્તે જણાવ્યું કે અત્યાર સુધી અમને ૧૨ લોકોના મોતની માહિતી મળી છે. સત્તાવાર આંકડા હજુ જાહેર કરવામાં આવ્યા નથી.SSS