મોદીએ શરીફના માતાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની માતાના નિધાન પર પત્ર લખીને તેમને પોતાની સંવેદના પ્રગટ કરી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પત્રને ઈસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇકમિશને નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝને સોંપ્યો છે.
નોંધનીય છે કે નવાઝ શરીફની માતા બેગમ શમીમ અખ્તરનું આ વર્ષે ૨૨ નવેમ્બરે અવસાન થયું હતું. પીએમ મોદીએ આ પત્ર ૨૭ નવેમ્બરે લખ્યો હતો જેનો પાકિસ્તાન મુસ્લીમ લીગ-નવાઝ (પીએમએલ-એન) તરફથી ગુરૂવારે જાહેર કરવામાં આવ્યો છે.
અખબાર ડૉને ગુરૂવારે જણાવ્યું કે આ પત્ર ગત સપ્તાહ ઈસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશન દ્વારા શરીફની દીકરી અને પીએમએલ-એનની ઉપાધ્યક્ષ મરિયમ નવાઝને મોકલવામાં આવ્યો હતો તથા તેમને આગ્રહ કરવામાં આવ્યો કે તેઓ તેના વિશે લંડનમાં રહેતા પોતાના પિતાને અવગત કરે. મોદીએ પત્રમાં લખ્યું કે, પ્રિય મિયાં સાહિબ, ૨૨ નવેમ્બરે લંડનમાં આપની માતા બેગમ શમીમ અખ્તરના નિધન વિશે જાણીને મને ખૂબ દુઃખ થયું છે.
હું દુઃખના આ સમયમાં સંવેદના વ્યક્ત કરું છું. વડાપ્રધાને ૨૦૧૫માં લાહોરની પોતાની સંક્ષિપ્ત યાત્રા દરમિયાન શરીફની માતા સાથે થયેલી પોતાની વાતચીત યાદ કરતાં કહ્યું કે, તેમની સાદગી અને ઉત્સાહ હકીકતમાં ખૂબ જ હૃદયસ્પર્શી હતાં. વડાપ્રધાન મોદીએ પત્રમાં કહ્યું કે, દુઃખના આ સમયમાં, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ આપને અને આપના પરિવારને ક્યારેય પૂરી ન થઈ શકે એવી ક્ષતિને સહન કરવાની શક્તિ પ્રદાન કરે.