મોદીએ હેલિકોપ્ટરમાં નિરીક્ષણ કર્યું, હું જમીન ઉપર છું : ઉદ્ધવ
મુંબઈ: તાઉતે વાવાઝોડાએ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં પણ વિનાશ વેર્યો છે. મહારાષ્ટ્રના સીએમ ઉધ્ધવ ઠાકરેએ આ વિસ્તારની લીધેલી મુલાકાતની ભાજપે ટીકા કરી હતી. જેના જવાબમાં ઠાકરેએ પીએમ મોદીની ગુજરાત યાત્રા પર કટાક્ષ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ ગુજરાતમાં વાવાઝોડાના વિનાશનુ હવાઈ સર્વેક્ષણ કર્યુ હતુ. જેને નિશાન બનાવીને ઠાકરેએ કહ્યુ હતુ કે, કમ સે કમ હું જમીન પર હતો અને જાતે જ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યો હતો. કોઈ હેલિકોપ્ટરમાં બેસીને મેં હવાઈ સર્વેક્ષણ નથી કર્યુ. ઉધ્ધવ ઠાકરેએ બે જિલ્લાની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને કેટલુ નુકસાન થયુ છે તેનો અંદાજ કાઢીને આંકડો રજૂ કરવા માટે જણાવ્યુ હતુ.
દરમિયાન રાજ્યના ભાજપના નેતાઓએ અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસે કહ્યુ હતુ કે, મને આ જાણકારી ખબર પડયા બાદ હેરાની થઈ છે કે, ઉધ્ધવ ઠાકરે માંડ ત્રણ કલાક માટે મુલાકાત લેવા આવ્યા હતા અને તેમાં પણ રાજકીય ટિપ્પણીઓ કરી રહ્યા હતા. જાેકે ઠાકરેએ આ ટીકાઓનો જવાબ આપતા કહ્યુ હતુ કે, ભલે ચાર કલાક માટે હું ત્યાં ગયો હતો પણ જમીન પર તો હતો. ફોટો પડાવવા માટે હું કોઈ હેલિકોપ્ટરમાં નહોતો બેઠો. મારે વધારે કશું કહેવુ નથી. અહીંયા હું વિપક્ષની ટીકાનો જવાબ આપવા માટે નથી આવ્યો.