મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે ૩૫૦ પોલીસ ક્વાૅરન્ટિન થયા
નવીદિલ્હી, દેશ-વિદેશમાં કોરોના વાયરસના કહેરની અસર તમામ બાબતો પર પડી રહી છે. સ્વતંત્રતા દિવસ સમારોહનો પણ તેમાં સમાવેશ થાય છે. કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં લેતા આ વખતે સ્વતંત્રતા દિવસ સમારોહ માટે ખાસ તૈયારી કરવામાં આવી રહી છે. આ વખતે ૧૫ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપનારા કાર્યક્રમનો હિસ્સો બનનારા ૩૫૦ પોલીસકર્મીઓને ક્વાૅરન્ટિન કરવામાં આવ્યા છે. આવું પગલું તકેદારીના ભાગ રૂપ ભરવામાં આવ્યું છે.
દિલ્હી કેન્ટમાં હાલમાં નવી પોલીસ કોલોની બની છે. તે હાલમાં મોટી સંખ્યામાં ખાલી પડી છે. અનેક પરિવાર હજુ ત્યાં શિફ્ટ નથી થયા. એવામાં ખાલી પડેલા ફ્લેટ્સમાં હવે આ ૩૫૦ પોલીસકર્મીઓને રાખવામાં આવ્યા છે. આ ૩૫૦ પોલીસકર્મીઓમાં કોન્સ્ટેબલ રેન્કથી લઈને ડીસીપી રેન્ક સુધીના પોલીસ અધિકારી સામેલ છે. આ તમામ પોલીસકર્મીઓને બહારની દુનિયાથી દૂર રાખવામાં આવ્યા છે. રોજેરોજ તેમના શરીરનું તાપમાન રેકોર્ડ થાય છે. સાથોસાથ કોરોના વાયરસ સંક્રમણના તમામ લક્ષણો માટે પણ તેમની તપાસ થાય છે.
આ સંબંધમાં એક સીનિયર પોલીસ અધિકારીનું કહેવું છે કે આ પગલું ૧૫ ઓગસ્ટના તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભરવામાં આવ્યું છે. અમે તમામ પ્રકારની સાવધાની રાખી રહ્યા છીએ. તમામને ક્વાૅરન્ટિન થયે ૮ દિવસથી વધુ સમય થઈ ગયો છે. કોમ્પલેક્સની અંદર તમામ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું છે. કોઈનામાં પણ કોરોના વાયરસના લક્ષણ નથી જોવા મળ્યા.
તેની પર પોલીસ ટ્રેનિંગ કાૅલેજના સીએમઓ ડાૅ. અમિત ત્યાગીનું કહેવું છે કે પોલીસકર્મી અલગ-અલગ સ્થળોથી આવે છે. કેટલાક તો રાજ્યની બહાર રહે છે અને નોકરી માટે રોજ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. કેટલાક પોલીસ સ્ટેશનના બેરોકોમાં રહે છે. એવામાં તેમને ગમે ત્યારે ઇન્ફેક્શન લાગી શકે છે. તેમને આઇસોલેટ કરવા તે સારું પગલું છે.HS