મોદી જન્મદિવસે ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા
ગાંધીનગર: દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ૭૧મા જન્મદિવસ પર એટલે કે ૧૭મી સપ્ટેમ્બરે વતન ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા નીતિન પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન યુએન મહેતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી શકે છે. નીતિન પટેલે શુક્રવારે નવનિર્મિત સુવિધાની મુલાકાત લીધી હતી.
રાજ્ય સરકારે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલનો વિકાસ અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં નવી બિલ્ડિંગ ઉભી કરવાના વડાપ્રધાન મોદીના વિઝનને અનુલક્ષીને કામ કર્યું છે’, તેમ પટેલે કહ્યું હતું. ‘
૩૦૦ કરોડના ખર્ચે બનેલી યુએન મહેતા હોસ્પિટલ બિલ્ડિંગ અને ૧૨૦૦ બેડવાળી સિવિલ હોસ્પિટલ સુવિધા તૈયાર છે. વડાપ્રધાન મોદી બંને બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે તેવી શક્યતા છે. નીતિન પટેલે ઉમેર્યું કે, જ્યારે કોવિડ-૧૯ના કેસ વધવા લાગ્યા હતા ત્યારે બંને નવી બિલ્ડિંગનો ઉપયોગ કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરવામાં કરાયો હતો.
જો કે, નીતિન પટેલે બિલ્ડિંગોનું ઉદ્ઘાટન કઈ તારીખે થશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન ઔપચારિક ઉદ્ઘાટન માટે ૧૭ સપ્ટેમ્બર તારીખ પસંદ કરશે. વડાપ્રધાન જન્મદિવસ પર તેમના નાના ભાઈ સાથે ગાંધીનગરમાં રહેતા માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે આ તારીખે ગુજરાતની મુલાકાત લઈ શકે છે. વડાપ્રધાન અમદાવાદ અને ઉત્તર ગુજરાતના લોકોને કેટલાક સિવિક પ્રોજેક્ટ અને નર્મદા જિલ્લાના કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રેણીબદ્ધ પ્રોજેક્ટ સમર્પિત કરે તેવી શક્યતા છે.
વડાપ્રધાન મોદી આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારે અમદાવાદની મુલાકાત લીધી હતી. પીએમ મોદી થોડા દિવસ પહેલા યુએન મહેતા હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બનેલી નવી બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા માટે અમદાવાદ આવવાના હોવાની શક્યતા હતી. જો કે, કોરોના મહામારીના કારણે અમદાવાદ મુલાકાતને મુલતવી રાખી હતી.