મોદી સરકાર કોઈ મામલામાં ફસાય છે એટલે મને ટાર્ગેટ કરે છે, રોબર્ટ વાડ્રા ભડકયા

નવી દિલ્હી, રાહુલ ગાંધીના બનેવી તેમજ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની સામે ઈનકમટેક્સ વિભાગે કાર્યવાહી શરુ કરી છે.જેને લઈને વાડ્રાએ મોદી સરકાર પર વળતો હુમલો કર્યો છે.
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં વાડ્રાએ કહ્યુ હતુ કે, જ્યારે પણ મોદી સરકાર કોઈ મામલામાં ફસાઈ જાય છે ત્યારે મને ટાર્ગેટ કરે છે.ખેડૂત આંદોલન પર મોદી સરકારને સવાલ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પૂછ્યા છે અને મોદી સરકાર નિશાન મને બનાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આઈટી વિભાગે રોબર્ટ વાડ્રાની સોમવાર અને મંગળવાર એમ બે દિવસ પૂછપરછ કરી હતી.સાથે સાથે વાડ્રાની ઓફિસમાંથી એક ટીમ કેટલાક ઈલેક્ટ્રોનિક પૂરાવા પણ પોતાની સાથે લઈ ગઈ છે.
વાડ્રાએ કહ્યુ હતુ કે, જે પણ છે તે એકાઉન્ટમાં સામે છે તો મને શું વધારે પૂછશે..મને જે પૂછશે તે કહીશ ..આ બધુ જાણી જોઈને થઈ રહ્યુ છે કારણકે હું એક ચોક્કસ પરિવાર સાથે સંકળાયેલો છું.જોકે હું કોઈના ડરથી દેશ છોડીને ભાગવાનો નથી.મારા પર દબાણ થઈ રહ્યુ છે.હું કાયદામાં માનનારો વ્યક્તિ છું અને મેં જે પણ બિઝનેસ કર્યો છે તેનુ રિટર્ન પણ ભરુ છું.મેં કશું ખોટુ કર્યુ નથી અને હું લડતો રહીશ.
તેમણે કહ્યુ હતુ કે, આજે મારો પરિવાર દેશ માટે મહેનત કરી રહ્યો છે અને સરકાર અસલી મુદ્દાઓ પરથી લોકોનુ ધ્યાન ભટકાવવા માંગે છે.એટલે મારો ઉપયોગ થઈ રહ્યો છે.સરકારે ખેડૂતોની મદદ કરવી જોઈએ .