મોદી ૧૦ રાજ્યોના ૫૪ જિલ્લા અધિકારીઓ સાથે વાર્તાલાપ કરશે
નવીદિલ્હી: કોરોનાનાં વધતાં પ્રકોપ વચ્ચે હવે વડાપ્રધાન મોદી આવનારી ૨૦ મે એ એક મોટી બેઠકમાં ભાગ લેવાના છે. જાણકારી અનુસાર આ બેઠકમાં મોદી વધુ કોરોના સંક્રમિત જિલ્લાઓના ઉચ્ચ જિલ્લા અધિકારીઓ સાથે ચર્ચા કરશે. આવું પહેલી વાર થઈ રહ્યું છે કે જેમાં મોદી સીધા જ રાજ્યનાં જિલ્લા અધિકારીઓ સાથે ચર્ચામાં ભાગ લેશે. જાણકારી અનુસાર ૨૦ મે એ ૫૪ જિલ્લાના અધિકારીઓ આ બેઠકમાં સામેલ થશે.
આ દરેક જિલ્લાઓમાં કોરોના સૌથી વધુ પ્રમાણમાં ફેલાયેલો છે. બેઠકના પહેલા ચરણમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, પાૅંડિચેરી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, કેરળ અને હરિયાણાનાં અધિકારીઓ સામેલ થશે. અને ત્યારબાદ બાકી રહી ગયેલા રાજ્યનાં અધિકારીઓ સાથે બીજી બેઠકમાં ચર્ચા કરશે. આ ચર્ચામાં જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે જ ચર્ચા કરવામાં આવશે. સાથે જ વેક્સિનની પ્રક્રિયા અંગે પણ ચર્ચા થશે.
સાથે એ પણ સમાચાર જાણી લો કે આખા દેશમાં આવેલી આ બીજી લહેર મુદ્દે વિપક્ષનાં ઘણા નેતાઓએ મોદીને પત્ર લખ્યો હતો. જેમાં ૧૨ નેતાઓ સામેલ હતા. જેમાં ફ્રી વેકસીનેશન કરવાના મુદ્દા, સેંટ્રલ વિસ્ટાનાં પૈસા સ્વાસ્થય સુવિધાઓ પાછળ ખર્ચ કરવાના મુદ્દાઓ, બેરોજગાર થયેલા લોકોને પ્રતિમાસ ૬ હજાર રૂપિયા આપવાની માંગ અને કૃષિ કાયદાઓ હટાવવાની માંગ કરી હતી. સાથે જ વેક્સિનની કિમંત લઈ પશ્ચિમ બંગાળ સરકાર અને કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.