મોદી ૧૧ જાન્યુઆરીએ તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના રસીકરણની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. કોરોના વેક્સિનેશન એટલે કે રસીકરણ માટેના ડ્રાય રન ચાલી રહ્યા છે. આ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ૧૧ જાન્યુઆરી એટલે કે સોમવારના દિવસે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોરોનાના રસીકરણની તૈયારીઓના મુદ્દે ચર્ચા કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, મીટિંગ બાદ સોમવારે દેશમાં કોરોના વેક્સિનેશનની શરૂઆત માટેની તારીખની જાહેરાત થઈ શકે છે. દેશના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની બેઠક સોમવારે સાંજે ૪ વાગ્યે શરૂ થઈ શકે છે.
શુક્રવારથી વેક્સિનેશન માટે જરૂરી લોજિસ્ટિક્સની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. દેશના તમામ રાજ્યોમાં ડ્રાય રનના ભાગરૂપે કોરોના રસીકરણનો પૂર્વ અભ્યાસ પણ થઈ ચૂક્યો છે. કોરોના વેક્સિનેશનની ડ્રાય રન દરમિયાન અલગ-અલગ રાજ્યોમાંથી જે ફરિયાદો આવી છે તેનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.
પ્રથમ તબક્કામાં કોરોનાનું રસીકરણ સંપૂર્ણરીતે મફત હશે અને તેમાં ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા લોકોને રસી આપવામાં આવશે. સૌપ્રથમ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ જેવા કે પોલીસવાળાને રસી અપાશે. આ સિવાય વૃદ્ધ લોકો, અગાઉથી કોઈ ગંભીર બીમારીથી પીડિત લોકોને પણ પ્રથમ તબક્કામાં રસી આપવામાં આવશે. તમામ રાજ્યની સરકાર આ લોકોનું લિસ્ટ તૈયાર કરી રહી છે.