મોબાઇલથી જીએસટી રિટર્ન ભરવાની સુવિધા એપ્રિલથી શરૂ થવાની શકયતા
મુંબઇ, છેલ્લા દોઢ વર્ષથી જીએસટી રિટર્ન મોબાઇલથી ભરી શકાય તેવી સુવિધા શરૂ કરવાની વિચારણા જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આગામી માર્ચ માસમાં મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શકયતા રહેલી છે. આ માટેનું સોફટવેર તૈયાર કરવા સહિતની કાર્યવાહી હાલ જીએસટીએન દ્વારા કરવામાં આવી રહી છે. જેથી આગામી એક એપ્રિલ બાદ આ સુવિધાનો લાભ વેપારીઓ ઉઠાવી શકે તેવું પણ જાણકારો કહી રહ્યા છે.
જીએસટી લાગુ થયા બાદ રિટર્ન ભરવા માટે વેપારીઓએ વર્ષે ઓછામાં ઓછો ૨૪ હજાર કરતાં વધુનો ખર્ચ ટેકસ કન્સલ્ટન્ટ અથવા તો સીએ પાછળ કરવો પડતો હોય છે. તેના કારણે નાના અને મધ્યમવર્ગના વેપારીઓ મોબાઇલથી જ રિટર્ન ભરી શકે તે માટેની વિચારણા કરવામાં આવી રહી છે. તે અંતર્ગત વેપારી જીએસટી નંબર અને તેને વેચાણ કરેલો માલ અને ખરીદ કરેલા માલની વિગત ભરતાની સાથે જ ૩બી રિટર્નમાં તે ડેટા ઓટો પોપ્યુલેટેડ થઇ જશે. જેથી વેપારીએ કેટલા રૂપિયાનો જીએસટી ભરપાઇ કરવાનો થાય છે તેની પણ ગણતરી ઓનલાઇન જ વેપારીને કરીને આપી દેવામાં આવશે.
આ સુવિધા શરૂ થયા બાદ વેપારીઓ જાતે જ રિટર્ન ભરી શકે તો દર વર્ષે તેઓએ ટેકસ કન્સલ્ટન્ટ અને સીએ પાછળ કરવાનો થતો ખર્ચ બચી શકે તેમ છે. તેને ધ્યાને રાખીને જ આગામી ૧૪ માર્ચના રોજ મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શકયતા જાણકારોએ વ્યકત કરી છે. મોબાઇલથી રિટર્ન ભરવાની સુવિધા શરૂ કરવામાં આવે તો ૪૦ લાખ નાના વેપારીઓને સૌથી વધુ ફાયદો થાય તેમ છે. કારણ કે સમગ્ર દેશમાં ૧.૫૦ કરોડથી વધુ વેપારીઓ જીએસટી નંબર ધરાવે છે. તેમાં પાંચ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનાર વેપારીઓની સંખ્યા ૪૦ લાખ જેટલી છે. જેથી આવા તમામ વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે.