Western Times News

Gujarati News

મોબાઇલથી મિસ કોલ કે વોટ્સએપ મેસેજ દ્વારા પણ થાય છે ગેસ સિલિન્ડરની નોંધણી

પ્રતિકાત્મક

કેન્દ્રની સરકારની કલ્યાણકારી ઉજ્જવલા યોજના પણ બની ડિજિટલ ઇન્ડિયાનો એક ભાગ, મોબાઇલથી પણ નોંધાવી શકાય છે ગેસ સિલિન્ડર

PIB Ahmedabad,  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સહાય અને રાહત સાથેની યોજનાઓના સુચારુ અમલીકરણથી દેશના ગરીબ અને નાના મધ્યમવર્ગીય લોકોની સમસ્યાઓનુ સરકારે નિરાકરણ લાવ્યું છે. આ યોજના હેઠળની વિભિન્ન યોજનાઓમાંથી એક યોજના એટલે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

આ યોજના અંતર્ગત લાભાર્થીઓને 1 એપ્રિલ 2020થી ત્રણ મહિનાના સમયગાળા સુધી વિનામૂલ્યે ઘરેલુ ગેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનાથી ગરીબવર્ગને લોકડાઉનના સમયગાળામાં ઘણી મોટી રાહત મળી છે. હવે વધુ ત્રણ મહિના સુધી આ યોજનાનું વિસ્તરણ કરાયું છે. જેથી હવે દેશભરના 8 કરોડથી વધુ ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને 1 જુલાઇ 2020થી વધુ ત્રણ મહિના સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ પ્રાપ્ત થઇ રહ્યો છે.

મહત્વનું છે કે આ ઉજ્જ્વલા યોજના હેઠળના મહિલા ગેસ ધારકોને ગેસ સિલિન્ડરની ડીલીવરી સમયે ચૂકવવા પડતા રૂપિયા તેમના બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા સહાય પેટે પરત આપવામાં આવે છે. અને એ પ્રકારે તેમને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર પ્રાપ્ત થાય છે. દેશભરમાં આ યોજના હેઠળ એપ્રિલથી જૂન 2020 દરમિયાન ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા રૂપિયા 9709.86 કરોડ હસ્તાંતરિત કરવામાં આવી ચૂક્યા છે.

અને આવા લાભાર્થીઓને 11.97 કરોડ સીલિન્ડર આપવામાં આવ્યાં છે. હાલમાં પણ બીજા તબક્કામાં આ યોજના હેઠળ લાભાર્થીઓને તેમનો લાભ અપાઇ રહ્યો છે. લાભાર્થીઓ તેમનો લાભ વધુ સરળતાથી મેળવી શકે તે માટે ગેસ નોંધણીની પ્રક્રિયામાં પણ હવે નવી સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે. ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે હવે ગેસ નોંધણી સોશ્યલ મિડિયાના માધ્યમથી તેમજ મોબાઇલ ફોનથી પણ થઇ રહી છે.

જે લાભાર્થી પાસે સ્માર્ટ ફોન છે તેઓ વોટ્સએપ મેસેજ દ્વારા ગેસ સિલિન્ડરની નોંધણી કરાવી શકે છે. અને જેમની પાસે સાદો ફોન છે તેઓ ગેસ એજન્સીમાં તેના નોંધાયેલા ફોન નંબર પરથી માત્ર એક મિસકોલ આપીને પણ તેના સિલિન્ડરનું બુકીંગ કરાવી શકે છે. આ સુવિધા શરુ થતાં લાભાર્થીઓને ગેસ એજન્સીની ઓફિસે જવાની જરૂર પડતી નથી ખાસ કરીને ગ્રામીણ લોકોને પડતી હાલાકી હવે દૂર થઇ ગઇ છે. તેઓ ખૂબ સરળતાથી તેમનો લાભ પ્રાપ્ત કરી રહ્યાં છે.

સમગ્ર દેશમાં આ સુવિધાનો લાભ ઉજ્જવલા ગેસ ધારકોને મળી રહ્યો છે ત્યારે ખેડા જિલ્લામાં પણ આ યોજનાનો સુચારુ અમલ થઇ રહ્યો છે. ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લિમિટેડના ભારત ગેસ દ્વારા 1 ઓગસ્ટથી ડિજિટલ માધ્યમથી ગેસ નોંધણી શરુ કરવામાં આવી છે. ભારત ગેસના ઉજ્જવલા ગેસ ધારકો કે જેઓ સ્માર્ટ ફોન ધરાવે છે તેમને એક વોટ્સઅપ નંબર આપવામાં આવ્યો છે

જેના પર લાભાર્થી તેના રજીસ્ટર્ડ મોબાઇલ નંબરથી વોટ્સઅપ મેસેજ મોકલી સિલિન્ડર બુક કરાવી શકે છે. જે લાભાર્થી પાસે સ્માર્ટ ફોન ન હોય અને માત્ર સાદો મોબાઇલ ફોન હોય તો તે લાભાર્થીને એજન્સીનો બીજો એક નંબર આપવામાં આવ્યો છે જેના પર લાભાર્થી તેના રજીસ્ટર્ડ નંબર પરથી માત્ર એક મિસકોલ કરે છે અને તેની નોંધણી થઇ જાય છે અને માત્ર બે દિવસમાં ગેસ સિલિન્ડર તેના ઘરે પહોંચી જાય છે.

સમગ્ર ખેડા જિલ્લામાં 1,15,868 લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ રહ્યાં છે. સમગ્ર ગુજરાતમાં 28.5 લાખ ઉજ્જવલા ગેસ ધારકો આ યોજનાનો લાભ લઇ રહ્યાં છે. જેમાં ભારત પેટ્રોલીયમના 7.45 લાખ, હિન્દુસ્તાન પેટ્રોલીયમના 14.1 લાખ અને ઇન્ડિયન ઓઇલના 7.4 લાખ જેટલા ગેસ ધારકો છે.

શ્રી રાજેશ પટેલ

ખેડા જિલ્લાના નડિયાદના ભારત ગેસ ડિસ્ટ્રીબ્યુટરના એજન્સી ધારક રાજેશ પટેલે અમારા પીઆઇબીના પ્રતિનિધિને જણાવ્યું કે, ઉજ્જવલા યોજના દેશના ગરીબો માટે આશિર્વાદરૂપ યોજના છે. અને હવે તેમાં ડિજીટલ નોંધણીની નવી સુવિધાથી ગ્રાહકોનો લાભ બેવડાઇ ગયો છે. ગ્રાહકોને એજન્સી સુધી આવવું પડતું નથી અને માત્ર ફોનના ઉપયોગથી જ તેમના ગેસ સિલિન્ડરની નોંધણી કરાવી શકે છે. જેનાથી દૂરદૂરના લોકો અને ખાસ કરીને ગ્રામીણ લોકોને એજન્સી સુધીનો ધક્કો બંધ થઇ ગયો છે. જેનાથી તેમનો સમય અને નાણા બંનેની બચત થઇ રહી છે. સાથે જ કોરોનાથી બચવા માટે સોશ્યલ ડિસન્ટન્સ જરુરી છે ત્યારે આ નવી સુવિધા તેમાં ખૂબ પણ સહાયકારી સાબિત થઇ છે.

શ્રીમતી દક્ષાબહેન રાઠોડ

ખેડા જિલ્લાના ડભાણના ઉજ્જવલા યોજનાના લાભાર્થી દક્ષાબહેન રાઠોડે અમારા પ્રતિનિધિને જણાવ્યું કે, કોરોનાના સમયમાં ભારત સરકારે મફત અનાજ અને મફત ગેસ સિલિન્ડર આપ્યા છે. જે માટે હું સરકારનો આભાર માનું છું. અને હવે હું માત્ર મારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને પણ ગેસ સિનિલન્ડર નોંધાવી શકું છું. જે ખૂબ સારું છે. તેનાથી મારે એજન્સી સુધી જવું પડતું નથી. જે માટે હું સરકારની આભારી છું.

શ્રીમતી આનંદીબહેન ખાંટ

ખેડા જિલ્લાના ડભાણના આનંદીબહેન ખાંટે અમારા પ્રતિનિધિને જણાવ્યું કે, ઉજ્જવલા યોજનામાં મફતમાં ગેસ સિલિન્ડર મળવાથી અમને ઘણી રાહત થઇ છે ત્યારે હવે આ સિલિન્ડરનીં નોંધણી પણ ખૂબ સરળતાથી ઘરે બેઠાં ફોન દ્વારા અમે કરાવી શકીએ છીએ. જે માટે અમે સરકારના આભારી છીએ.

દેશના ગરીબવર્ગને રસોઇ બનાવવા રાંધણગેસ જેવી મહત્વની જરૂરિયાત વિનામૂલ્ચે પ્રાપ્ત થઇ જતાં તેમની મુશ્કેલી દૂર થઇ છે. અને હવે તેની નોંધણી પણ ડીજિટલ માધ્યમથી ખૂબ સરળતાથી થઇ રહી છે જેનાથી તેમની ખુશી બેવડાઇ ગઇ છે. કેન્દ્ર સરકારની આ કલ્યાણકારી યોજના હવે વધુ સુવિધાસભર પણ બની છે જેનો સર્વેને આનંદ પણ છે.

 

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.