Western Times News

Gujarati News

મોબાઇલ ટેરિફ અને ડેટા પ્લાનમાં તોતિંગ વધારો થતાં ફરી આવશે મિસકોલ યુગ

મુંબઇ, એજીઆર પેટે સરકારને હજારો કરોડ રૂપિયા ચૂકવવાની સમસ્યાનો સામનો કરી રહેલી મોબાઇલ ઓપરેટર કંપનીઓ વોડાફોન આઇડિયા, એરટેલ અને રિલાયન્સ જિયોએ ટેરિફમાં ૪૦ ટકા જેટલો તોતિંગ વધારો કરવાની જાહેરાત કરી છે. વોડાફોન આઇડિયા લિમિટેડે મંગળવારથી અમલમાં આવે એ રીતે મોબાઇલ સેવા અને ડેટાના દરમાં વધારો કર્યો છે કંપનીએ કરેલી જાહેરાત મુજબ આ વધારો ૪૨ ટકા સુધીનો છે. રિલાયન્સ જિયોએ જાહેરાત કરી હતી કે ૬ ડિસેમ્બરથી એના નવા વોઈસ અને ડેટા ટેરિફ અમલમાં આવશે અને આ વધારો ૪૦ ટકા જેટલો રહેશે. એરટેલે જણાવ્યું હતું કે મંગળવારથી અમલમાં આવે એ રીતે મોબાઈલ અને ડેટા ચાર્જમાં ૪૧ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

વોડાફોન આઇડિયા વોડાફોન સિવાયના બીજા નેટવર્ક પર કરવામાં આવતા ફોન માટે પ્રતિ મિનિટ ૬ પૈસાનો ચાર્જ પણ લેશે. કંપનીએ કહ્યું છે કે, અનલિમિટેડ કેટેગરી હેઠળના પ્લાનમાં પ્રોમિસ કરાયેલી સ્પીડ પર સીમિત ડેટા અને રોજ ૧૦૦ એસએમએસની મર્યાદા છે. ૩૬૫ દિવસના અનલિમિટેડ કેટેગરીના પ્લાનમાં સૌથી વધારે ૪૨ ટકા જેટલો મોંઘો થયો છે. પહેલાં એનો દર ૧,૬૯૯ રૂપિયા હતો પણ નવો દર ૨,૩૯૯ રૂપિયા છે. ૮૪ દિવસની વેલિડિટી વાળા પ્લાનનો દર ૪૫૮ રૂપિયાના સ્થાને ૫૯૯ રૂપિયા છે અને એમાં રોજ ૧.૫ જીબીની ડેટા ઓફર કરાશે. આમ આ પ્લાનમાં ૩૧ ટકાનો વધારો થયો છે. વોડાફોનના નવા પ્લાન મુજબ કંપનીએ પ્રીપેડ ગ્રાહકો માટે ૨ દિવસ, ૨૮ દિવસ, ૮૪ દિવસ અને ૩૬૫ દિવસની વેલિડિટી ધરાવતા પ્લાનની જાહેરાત કરી છે. જૂના પ્લાનની સરખામણીમાં નવા પ્લાન આશરે ૪૨ ટકા મોંઘાં છે. આ પ્લાન ૩ ડિસેમ્બરથી આખા દેશમાં ઉપલબ્ધ થશે.

એરટેલે મંગળવારથી અમલમાં આવે એ રીતે મોબાઈલ અને ડેટા ચાર્જમાં દિવસે ૫૦ પૈસાથી ૨.૮૫ રૂપિયા વધારો કર્યો છે. કંપનીએ ૨ દિવસ, ૨૮ દિવસ, ૮૪ દિવસ અને ૩૬૫ દિવસની વેલિડિટી ધરાવતા નવા અનલિમિટેડ પ્લાન પણ શરૂ કર્યા છે. કુલ વધારો આશરે ૪૧.૧૪ ટકા જેટલો રહેશે. રિલાયન્સ જિયોએ રવિવારે જાહેરાત કરી હતી કે ૬ ડિસેમ્બરથી એના નવા વોઈસ અને ડેટા ટેરિફ અમલમાં આવશે અને આ વધારો ૪૦ ટકા જેટલો રહેશે. ગ્રાહકોને નવા પ્લાન હેઠળ ૩૦૦ ટકા વધારે લાભ આપવામાં આવશે. જિયો ઓલ ઈન વન અનલિમિટેડ વોઈસ અને ડેટા પ્લાન શરૂ કરશે.

ટેલિકોમ સેક્ટરે ડેટા અને કોલ દરોમાં વધારો કરવાની શરૂઆત કરી છે એ મુદ્દે નિવેદન આપતાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું હતું કે મોબાઈલ અને ડેટાના દરમાં વધારો થઈ ગયો છે. યુપીએ ૧ અને ૨ વખતે સરકારનો મૂળ મંત્ર હતો, ‘જિયો ર જિને દો’ પણ ભાજપ સરકારનો મંત્ર છે ‘જિયો ર બાકી કો મરને દો’. યુપીએ વખતે ૧૩ પ્રાઇવેટ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર હતા. એમટીએનએલ અને બીએસએનએલ પણ હતા. બેઉમાં પ્રતિસ્પર્ધા હતી અને એથી કોલ અને ડેટાના દર દુનિયામાં સૌથી ઓછા હતા. સરકારે દુર્ગમ વિસ્તારો, નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ટેલિફોન સેવા આપવાનું કામ બીએસએનએલને સોંપ્યું હતું પણ આ સરકારે આ પ્રોજેક્ટ ખાનગી કંપનીઓને સોંપી દીધા છે. આ સરકારે ખાનગી કંપનીઓને કમાણી કરવાની છૂટ આપી છે અને સરકારી કંપનીઓને ૪જી સર્વિસ પણ આપવા દીધી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.