મોબાઇલ માટે મહિલાએ આત્મહત્યા કરી લેતા બે પુત્રીઓએ છત્રછાયા ગુમાવી
રાજકોટ: શું કોઈ એક મોબાઇલ ફોન આત્મહત્યાનું કારણ બની શકે છે ખરા? આપના માન્યામાં નહીં આવે પરંતુ એક મોબાઇલ ફોન મૃત્યુનું કારણ બન્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલમાં બોટાદના તુરખા ગામે રહેતી પરિણીતા શીતલબેન વિજય ભાઈ પરમારે ઝેરી દવા પી લેતા વધુ સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. ઝેરી દવા પીનાર પરિણીતાને રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ઈમરજન્સી વોર્ડમાં ભરતી કરવામાં આવી હતી. પરિણીતાએ ઝેરી દવા પીધી હોય જેના કારણે સિવિલ હોસ્પિટલમાં આવેલ પોલીસ ચોકી ખાતે બનાવ અંગે નોંધ નોંધવામાં આવી હતી.
ત્યારે ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવેલ પરિણીતાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં મૃતક શીતલનો મોબાઈલ ફોન તૂટી ગયો હોય જેથી પતિ વિજય નવો મોબાઇલ લઇ આપવાની વાત કરી હતી. પરંતુ વિજયનું કામ હાલ સરખું ચાલતું ન હોવાથી થોડાક દિવસ પછી લઇ આપવાની વાત કરી હતી. પરંતુ નવો મોબાઈલ લેવાની પોતાની જીદ ઉપર અડગ રહેલી શિતલે પતિ વિજય સાથે ઝઘડો કર્યો હતો. જે ઝઘડાના કારણે તેને લાગી આવતા તેને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સારવાર દરમિયાન શીતલનું મોત નિપજતા શીતલની બંને દીકરીઓ એ નાની ઉંમરમાં જ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
જ્યારે કે રાજકોટ શહેરમાં આર્થિક ભીંસથી કંટાળીને ઉમેશભાઈ નામના યુવાને પણ ગળાફાસો ખાઇ લીધા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રામનાથ પરા વિસ્તારમાં આવેલા ભવાની નગર શેરી નંબર ૭ માં રહેતા ઉમેશભાઈ મગનભાઈ સારી નામના યુવાને મજૂરીકામ બરાબર ચાલતું ન હોવાના કારણે આર્થિક ભીંસથી કંટાળીને પોતાના જ ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેને સારવાર અર્થે પરિવારજનોએ હોસ્પિટલ ખસેડ્યો હતો.
જ્યાં ફરજ પર હાજર તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર બનાવની જાણ સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે પરિવારજનોના નિવેદન પણ નોંધાયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ઉમેશભાઈ મજુરી કામ કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
૪હાલની પરિસ્થિતિમાં કામ ધંધો બંધ થઇ જતાં તેઓ આર્થિક ભીંસ અનુભવતા હતા જેના કારણે તેમને કંટાળીને પગલું ભરી લીધા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ઘણા સમય પહેલા મૃતક ઉમેશ ની પત્ની તેના બે સંતાનોને અને ઉમેશને છોડીને જતી રહી હતી. આમ, પિતાનું મૃત્યુ થતાં બંને સંતાનો હાલ માતા-પિતા વગર ના થઇ ગયા હોવાનું સામે આવ્યું છે.