મોબાઈલના ધંધામાં રોકાણ કરવાના બહાને વૃદ્ધ સાથે રૂ.૨૭ લાખની છેતરપિંડી
અન્ય વેપારીઓને પણ ઠગ્યાની ફરીયાદો આવી ઃ સોલા પોલીસ ગઠીયાને શોધવા સક્રિય |
અમદાવાદ : ઘાટલોડીયામાં રહેતાં વૃદ્ધનો વિશ્વાસ જીતીને એક ગઠીયાએ સ્ટેમ્પ પેપર ઊપર ખોટા લખાણો આપ્યાં બાદ આશરે સત્તાવીસ લાખની રકમ લઇ ફરાર થઈ ગયો હોવાની ફરીયાદ સોલામાં નોંધાઈ છે. પોતાની દુકાનો ન હોવા છતાં ગઠીયાએ તે પોતાની હોવાનો દેખાવ ઊભો કર્યાે હતો.
૭૪ વર્ષીય મહેન્દ્રસિંહ ચુડાસમા (રહે.તિરુપતિ એપાર્ટમેન્ટ, ઘાટલોડીયા) રાજસ્થાનથી મુંબઈ આવ-જા કરતાં પાંચ વર્ષ અગાઉ હરીશ મોતીરામ માળી (ચાણક્યપુરી) સાથે ઓળખ થઈ હતી. જેવો પોતે મોબાઈલ એસેસરીઝનો વેપારી હોવાની ઓળખાણ આપી હતી.
વૃદ્ધ સાથે સંબંધો વધાર્યા બાદ હરીશે પોતાનાં ધંધામાં નાણાં રોકવા સમજાવ્યા હતા અને એ બદલ લખાણ આપવાનું જણાવ્યું હતું.
જેથી મહેન્દ્રસિંહે મિત્રતાનાં ભાવે લોન લઈને હરીશને ૨૭ લાખ ચૂકવ્યા હતા. જેની સામે હરીશે બે દુકાનોમાં બોલાવીને તે પોતાની હોય તેવો ડોળ કર્યાે હતો. ઊપરાંત ધંધામાં ભાગ આપવાનાં લખાણો પણ કર્યા હતા.
જાકે રૂપિયા મળ્યાનાં થોડાં દિવસ બાદ જ તે ગાયબ થઈ જતાં શોધખોળ કરતાં હરીશ રાજસ્થાન ભાગી ગયો હોવાની જાણ થઈ હતી. જેથી મહેન્દ્રસિંહે દુકાનોમાં તપાસ કરતાં તે પણ કોઈ બીજાની હોવાનું સામે આવતાં તેમને ફાળ પડી હતી.
આ અંગે મહેન્દ્રસિંહે સોલા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરીયાદ કરી છે. પોલીસે તપાસ શરૂ કર્યા બાદ તેણે મોબાઈલ ફોનની દુકાનમાં રોકાણ કરવાનાં બહાને અન્ય કેટલાંય વેપારીઓ અને રોકાણકારો સાથે પણ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. ઘણાં વેપારીઓને ઠગી હરીશ રાજસ્થાન ગયો હોવાની બાતમી મળતાં પોલીસ પણ એક ટીમ બનાવીને રાજસ્થાન જવાની હોવાની સંભાવના છે.