Western Times News

Gujarati News

મોબાઈલ ચોરીનો ઉકેલાયો ભેદ, ક્રાઈમ બ્રાન્ચે ૬ લાખથી વધુ કિંમતના મોબાઈલ જપ્ત કર્યા

ગાંધીનગર: અમદાવાદ શહેરમાં મોબાઇલ ચોરી કરતા બે ઈસમોને ક્રાઇમ બ્રાંચે ઝડપી ૬ લાખથી વધુની કિંમતના ૧૦૭ મોબાઈલ ફોન કબ્જે કરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે બે ઈસમો ચોરી અને છળકપટથી મેળવેલા મોબાઈલ ફોન વેચવા માટે વેજલપુર વિશાલા શાસ્ત્રી બ્રિજના છેડે મેટ્રો સ્ટેશન પાસે ઊભા છે.જેથી ક્રાઈમ બ્રાન્ચે જયેશ નાયક તેમજ સતીશ પરમાર નામના વેજલપુરના બે ઇસમોની શાસ્ત્રી બ્રિજના છેડેથી ધરપકડ કરી છે.

બંને આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે ૬ લાખ ૧૫ હજારની કિંમતના ૧૦૭ મોબાઈલ ફોન કબજે કર્યો છે.પકડાયેલા આરોપીઓએ સેટેલાઈટ, આનંદનગર, વસ્ત્રાપુર અને સરખેજ સહિતના અનેક વિસ્તારોમાં ચાલતી બાંધકામની સાઇટના કર્મચારીઓના તથા વેપાર ધંધો કરતા દુકાનદારોના ૧૫૦ જેટલા મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની કબુલાત કરી છે.પકડાયેલો આરોપી જયેશ નાયક અગાઉ સેટેલાઈટ તથા આનંદનગર પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીના ગુનામાં પકડાયો છે તેમજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં સતીશ પરમાર મારામારીના ગુનામાં અને સરખેજ પોલીસ સ્ટેશનમાં કરફ્યુ ભંગના ગુનામાં પકડાયો છે.

આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી તથા સાગરીતો દિવસના સમયે ભાડાની રિક્ષા લઈને નીકળતા અને બાંધકામની સાઇટની બપોરના સમયે રેકી કરી વહેલી સવારે સૂઈ રહેલા કર્મચારીઓના મોબાઇલ ફોનની ચોરી કરતા તેમ જ દિવસના સમયે અલગ અલગ વિસ્તારોમાં ફરી દુકાનદારની નજર ચૂકવી તેઓના મોબાઇલ ફોન ચોરી કરતા હતા.

ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કરેલા ૧૦૭ મોબાઇલ ફોનના નંબરના આધારે ફોનના માલિકોને શોધી આ મોબાઈલ ફોન તેના મૂળ માલિકો સુધી પહોંચાડવા માટેની કામગીરી હાથ ધરી છે અને પકડાયેલા આરોપીઓને આનંદનગર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાના કામે સોંપવા તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.